જૂનાગઢ : જૂનાગઢનો નિમેષ રાઠોડ જિલ્લામાં રબર બોય તરીકે ખ્યાતિ પામી રહ્યો છે પાંચ વર્ષથી નિમેષ યોગ અભ્યાસમાં સતત મહેનત કરીને આજે યોગમાં મહારત હાંસલ કરી ચૂક્યો છે. યોગના આસનો કરતી વખતે તે શરીરને રબરની કોઈ ચીજ વસ્તુઓ વાળતો હોય તે પ્રકારે શરીરને વાળીને ખૂબ જ મુશ્કેલ કહી શકાય તે પ્રકારના યોગ કસરતના દાવ અને આસનો કરતો જોવા મળે છે.
નાની વયમાં શરુ કરી પ્રેકટિસ : માત્ર પાંચ વર્ષ પહેલા યોગ અભ્યાસ શરૂ કર્યા બાદ આજે નિમેશ યોગમાં ભલભલા યોગાચાર્યોને મોમાં આંગળા નાખવા માટે મજબૂર કરે તે પ્રકારે યોગના અભ્યાસ કરીને સૌ કોઈને વિચારતા કરી મૂકે છે. દિવસમાં ત્રણ કલાક યોગનો અભ્યાસ આજે તેને જિલ્લાના રબર બોય તરીકેનું ઉપનામ પણ અપાવવામાં સફળ રહ્યો છે.
ઓલિમ્પિકમાં જવાની મહેચ્છા : જૂનાગઢના નિમેષ રાઠોડને અંગ કસરત અને ખાસ કરીને યોગમાં મહારત હાંસલ કર્યા બાદ ઓલમ્પિકમાં જીમનાસ્ટિક સ્પર્ધામાં ભાગ લેવાની ઈચ્છા છે. તેને ધ્યાને રાખીને પણ તે તૈયારી કરી રહ્યો છે .શરીરના કોઈપણ ભાગને ખૂબ જ સફળતાપૂર્વક અને એકદમ આસાનીથી રબરની માફક વાળીને નિમેષ યોગ કરે છે. પાછલા પાંચ વર્ષની મહેનતને અંતે આજે તેનું શરીર રબરનું બની ગયું હોય તે પ્રકારે સૌ કોઈને આશ્ચર્યચકિત પણ કરે છે. ધોરણ 11માં અભ્યાસ કરતો નિમેષ દિવસના ત્રણ કલાક સવાર બપોર અને સાંજ અભ્યાસના સમયમાંથી યોગ અભ્યાસ માટે એક અલગ સમય કાઢીને પોતાની રીતે યોગની તાલીમ તેના ઘરે જ મેળવીને આજે યોગના સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી ગયો છે. ભલભલા યોગાચાર્યો પણ આ પ્રકારે યોગ કરતા ભાગ્યેજ કોઈએ જોયા હશે તે પ્રકારના અતિ મુશ્કેલ કહી શકાય તેવા યોગ અભ્યાસમાં માત્ર 17 વર્ષની ઉંમરે જૂનાગઢના નિમેશ રાઠોડે મહારત હાંસલ કરી છે.
નિમેશ રાઠોડનો પ્રતિભાવ : માત્ર 17 વર્ષની ઉંમરે યોગમાં ખૂબ જ મહારત હાંસલ કરી ચૂકેલા જૂનાગઢના નિમેશ રાઠોડે ઈ ટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેણે જણાવ્યું હતું કે યોગના માધ્યમથી તે ઓલમ્પિક જેવા વૈશ્વિક રમતોત્સવમાં સામેલ થવા માટેની આશા સેવી રહ્યો છે. જેની તૈયારી પણ સતત ચાલુ રાખશે. ઓલિમ્પિકમાં યોગ આધારિત જીમનાસ્ટિક સ્પર્ધાઓ યોજાતી હોય છે. જેમાં ભારતના ખેલાડીઓનો દેખાવ ખૂબ સામાન્ય હોય છે પરંતુ જૂનાગઢનો હિમેશ રાઠોડ યોગની મહારત થકી ભારતનુ પ્રતિનિધિત્વ ઓલમ્પિકમાં થાય માટે આશા સાથે મહેનત પણ કરી રહ્યો છે.