જૂનાગઢ : શરદ પૂનમ અને ચંદ્રગ્રહણનો યોગ આગામી શનિવાર અને 28મી તારીખે શરદ પૂનમની સાથે ચંદ્રગ્રહણનો સંયોગ થવા જઈ રહ્યો છે. ત્યારે ગ્રહણની સાથે શરદ પુનમની ઉજવણી કરવાને લઈને જૂનાગઢના દામોદર કુંડ સ્થિત તીર્થ પુરોહિતોએ ગ્રહણ અને પુનમની ઉજવણીને લઈને કેટલાક દિશા નિર્દેશો આપ્યા છે. સનાતન ધર્મ સંસ્કૃતિના ગ્રહણને વિશેષ મહત્વનું માનવામાં આવે છે.
ગ્રહણના સમયને ધ્યાને લેવો : આવા સમયે ગ્રહણનું સૂતક અને તેના વેધને આધારે કોઈ પણ વ્યક્તિએ માંગલિક ધાર્મિક કે શુભ પ્રસંગની સાથે તમામ પ્રકારની ઉજવણીઓ ગ્રહણના સમયને ધ્યાને રાખીને કરવી જોઈએ. ત્યારે આગામી શનિવારનું ચંદ્ર ગ્રહણ પણ આ જ રીતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન માટે પણ મહત્વનું છે. પ્રત્યેક લોકોએ શરદ પૂનમની ઉજવણી કરતા પૂર્વે સનાતન ધર્મના શાસ્ત્રોમાં જે દિશા નિર્દેશો ગ્રહણને લઈને આપવામાં આવ્યા છે તેનું પાલન કરવાની સાથે પ્રત્યેક વ્યક્તિએ શરદ પૂનમની ઉજવણી કરવી જોઈએ તેવું તીર્થ પુરોહિતો માની રહ્યા છે.
ગ્રહણ અને કેટલીક પરંપરા : ગ્રહણ સાથે કેટલીક ધાર્મિક પરંપરા પણ જોડાયેલી જોવા મળે છે. તે અંતર્ગત ગ્રહણનો વેધ બેઠા બાદ કોઈ પણ વ્યક્તિએ ગ્રહણની સીધી અસર થાય તેવી રીતે ઘરની બહાર ન નીકળવું જોઈએ. વધુમાં ભોજનની સાથે પાણી પણ ગ્રહણ ન કરી શકાય તે પ્રકારનું ગ્રહણની શાસ્ત્રોમાં જે નિયમ દર્શાવવામાં આવ્યા છે તે મુજબ ગ્રહણને મોક્ષ થયા સુધી પાળવાનું હોય છે. ગ્રહણના મોક્ષ થયા બાદ ધાર્મિક રીતરિવાજ મુજબ ગ્રહણનું સૂતક ઉતાર્યા બાદ કોઈ પણ દૈનિક ક્રિયાવિધિ કે ધાર્મિક વિધિમાં જોડાવું જોઈએ આવો સ્પષ્ટ ઉલ્લેખ સનાતન ધર્મના શાસ્ત્રોમાં જોવા મળે છે.
શરદ પૂનમે દૂધપૌંઆનું મહત્વ : શરદ પૂનમની ઉજવણી વિશેષ પ્રકારે થતી હોય છે. ખગોળીય વિજ્ઞાન અને ધર્મશાસ્ત્ર મુજબ શરદ પૂનમના દિવસે ચંદ્ર એક વખત વિશેષ શીતળ છાયા આપે છે. શરદપૂનમના દિવસે ચંદ્રનું દર્શન પણ ખૂબ જ ઔલોકિક માનવામાં આવે છે. ત્યારે પૂનમના દિવસે ચંદ્રના અજવાળામાં રાખેલા દૂધ અને પૌવામાં ચંદ્રની શીતળતા પ્રવેશ કરે છે. જેથી શરદ પૂનમના દિવસે ચંદ્રના અજવાળામાં રાખેલા દૂધપૌવા આરોગવાથી તેને ખૂબ જ આરોગ્ય વર્ધક માનવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્રની શીતળતા ગ્રહણ કરવાની પણ એક વિશેષ પરંપરા છે. તે મુજબ લોકો મધ્યરાત્રીએ ચંદ્રની શીતળતામાં દૂધ પૌવા પણ આરોગતા હોય છે ત્યારે આ વખતે ગ્રહણને કારણે શરદ પૂનમની ઉજવણીમાં કોઈ વિક્ષેપ ઊભો થઈ શકે છે.