જૂનાગઢ : અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે 1100 જેટલી વાનગીનો અન્નકૂટ ભગવાન સ્વામિનારાયણને પ્રસાદ રૂપે અર્પણ કરાયો હતો. પાચ દિવસથી મહિલા અને પુરુષ હરિભક્તો દ્વારા અન્નકૂટ બનાવવાને લઈને ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. ચાર કલાકની મહેનત બાદ ભગવાન સ્વામિનારાયણ સમક્ષ અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. જેના આજે વહેલી સવારે સ્વામિનારાયણ સંતોની પૂજન અને કીર્તન સાથે દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતાં. ત્યારે જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ હાજર રહીને જૂનાગઢમાં પ્રથમ વખત આયોજિત થયેલા 1100 પકવાનોના અન્નકોટના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
આજે ગોવર્ધન પૂજાનું પણ મહત્વ : દિવાળીના બીજા દિવસે ગોવર્ધન પૂજાનું પણ ખૂબ ધાર્મિક મહત્વ જોવા મળે છે. ગોવર્ધનપૂજાનો પ્રસંગ ભગવાન કૃષ્ણના ચરિત્ર સાથે જોડાયેલો છે. ત્યારે આજના દિવસે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગોવર્ધન પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વામિનારાયણ સંતો દ્વારા મંત્રોચ્ચાર અને અન્નકૂટ પાઠનું ગાન કરીને સનાતન ધર્મની ચાલતી આવતી ગોવર્ધન પૂજાની ધાર્મિક વિધિને પણ પૂર્ણ કરી હતી. જેમાં પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો અને હરિભક્તોએ ભાગ લીધો હતો.
જ્ઞાનરત્નદાસ સાધુનો પ્રતિભાવ : આજના ખાસ અન્નકૂટ દર્શનને લઈને સ્વામિનારાયણ મંદિરના સાધુ જ્ઞાનરત્નદાસે ઇટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરા તેમજ સનાતન ધર્મમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી ધાર્મિક વિધિ અને પરંપરાને લઈને આજે ખાસ અન્નકૂટનું આયોજન કરાયું છે. જેમાં હરિભક્તોએ તેમની ઈચ્છા મુજબ અન્નકૂટનું નિર્માણ કર્યું છે અને આજના દિવસે મંદિર પરિસરમાં જ ગોવર્ધન પૂજા કરીને પણ આજે વિશેષ રીતે અન્નકૂટ દર્શનને પૂર્ણાહુતિ પણ કરી હતી.