જૂનાગઢ: શહેરમાંથી પસાર થતી જૂનાગઢ-અમરેલી-દેલવાડા મીટર ગેજ લાઈન પર આવેલા આઠ જેટલા રેલવે ફાટકોને દૂર કરીને અહીં અંડરગ્રાઉન્ડ માર્ગ બનાવવાને લઈને રેલ્વે વિભાગ અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન સહમત થયું છે. જેનો વિરોધ હવે જૂનાગઢના સામાન્ય નાગરિકોમાં જોવા મળે છે. જેને લઇને જૂનાગઢ શહેરના શ્રેષ્ઠિઓ દ્વારા પલાસવા શાપુર રેલવે જોડાણ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિની પ્રથમ સાર્વજનિક બેઠકનું આયોજન જૂનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ શહેરના શ્રેષ્ઠિઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકોની સાથે વેપારીઓ પણ જોડાયા હતા.
અનેક સૂચનો બાદ નવી રણનીતિ: આજની બેઠકમાં કમિટીના અધ્યક્ષ એડવોકેટ કિરીટ સંઘવી રાજુભાઈ જોબનપુત્રા અને અમૃત દેસાઈની સાથે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂની સાથે અનેક બુદ્ધિજીવી લોકો પણ જોડાયા હતા. જૂનાગઢ શહેરને બે ભાગમાં વિભાજીત કરતા આઠ બોગદાઓનો પ્રચંડ વિરોધ કર્યો હતો. સમગ્ર મામલામાં રાજ્ય અને કેન્દ્રની સરકારની સાથે રેલવે વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના આંખ આડા કાન દૂર થાય તે માટે શહેરમાં લોકોની જનજાગૃતિ માટે અભિયાન શરૂ કર્યું હતું.
'જે રીતે 1947માં 9મી નવેમ્બરના દિવસે જૂનાગઢની આઝાદી માટેનું સ્વતંત્ર મતદાન થયું હતું તે જ પ્રમાણે જો વર્તમાન સમયના શાસકો અને સત્તાધિશો જૂનાગઢ શહેરને બોગદા અને રેલવે ફાટકની પડોચણમાંથી મુક્તિ નહીં અપાવે ફરી તેવી જ સ્થિતિ નિર્માશે. વર્ષ 1947 પછી બીજી વાર જુનાગઢ શહેરમાં બોગદાઓની મુક્તિ માટે મતદાન કરવાની ફરજ પડશે તો પણ તેઓ સ્વતંત્ર મતદાન કરાવીને જૂનાગઢ શહેરને ફાટક અને બોગદા માંથી ચોક્કસપણે મુક્તિ અપાવશે.' -અમૃત દેસાઈ, સહ કન્વીનર
પૂર્વ ધારાસભ્યએ આપી વિગતો: પાંચ વખત જૂનાગઢ વિધાનસભા બેઠક પરથી ધારાસભામાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા અને વર્ષ 2002માં જૂનાગઢના પ્રથમ મેયર બનેલા મહેન્દ્ર મશરૂએ સમગ્ર આંદોલનને લઈને માહિતી આપી હતી. તેમને જણાવ્યું હતું કે તેઓ પહેલા દિવસથી જુનાગઢ શહેરમાં આઠ બોગદાના વિરોધી છે. જન પ્રતિનિધિઓએ લોકોની સમસ્યા અને તેની સુખાકારીના અમલ માટે કામ કરવું જોઈએ વર્તમાન સમયમાં તેની ઉણપ જોવા મળે છે પરંતુ આગામી દિવસોમાં તેઓ તેમના દ્વારા થતા તમામ પ્રયત્નો કરીને જુનાગઢ શહેરને બોગદામાંથી મુક્ત રાખવાની તેમની નેમ પ્રમાણે તેમાં મક્કમપણે આગળ વધતા જોવા મળશે.