જૂનાગઢ : શહેરમાં કચરા પેટીના અદ્રશ્ય દુશ્મનો સામે આવ્યા છે, શહેરના દીવાને ચોકથી લઈને ભવનાથ મંદિર સુધીના વિસ્તારમાં મનપા દ્વારા સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા માટે પ્લાસ્ટિકની મોટી કચરા પેટીઓ લગાવવામાં આવી હતી, પરંતુ કેટલાક દિવસથી આ વિસ્તારમાં કેટલાક હિતશત્રુઓ અથવા તો કોઈ અજાણ્યા લોકો કચરા પેટીને આગને હવાલે કરીને નષ્ટ કરેલી છે. સમગ્ર મામલામાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના કોર્પોરેટરો અદ્રશ્ય દુશ્મનો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમજ અંદાજે 3 કરોડ રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલી આ કચરા પેટીઓ અંતે નાશ પામી રહી છે. જેમાં અધિકારીઓ સામે પણ યોગ્ય તપાસ થાય તેવી માંગ કરાઈ રહી છે.
લોકોની સુખાકારી અને શહેર સ્વચ્છ રહે તે માટે કચરા પેટીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓની અણ આવડતને કારણે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે નાખવામાં આવેલી કચરા પેટીને આગ લગાવવામાં આવી રહી છે. તો કેટલીક જગ્યા પરથી આ કચરા પેટીઓ બિલકુલ ગુમ થયેલી જોવા મળે છે. તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિશો સમગ્ર મામલામાં યોગ્ય તપાસ કરીને કચરા પેટીમાં આગ લાગવાની સાથે જે કચરા પેટી ગુમ થયેલી છે તેની પાછળ કોણ છે. તેની યોગ્ય તપાસ અને વિગતો એકત્ર કરીને કસુર વારો સામે પગલાં ભરવા જોઈએ. - લલિત પરસાણા (કોર્પોરેશન મનપા, વિરોધ પક્ષ)
માત્ર બ્લુ કલરની કચરા પેટીને કરાય છે નુકસાન : જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૂકો અને ભીનો કચરો એકત્ર કરવા માટે લીલા અને બ્લુ કલરની કચરા પેટીઓ લગાવવામાં આવેલી છે. લીલા કલરની કચરાપેટીમાં ભીનો કચરો અને બ્લુ કલરની કચરાપેટીમાં સૂકો કચરો એકત્ર કરવાને લઈને કચરા પેટીઓ મૂકવામાં આવી છે, પરંતુ જે કચરા પેટીઓ આગને હવાલે કરવામાં આવી છે તે તમામ બ્લુ કલરની એટલે કે સૂકો કચરો એકત્ર કરવાની સામે આવી છે. જે રીતે કોઈ અજાણ્યા શત્રુઓએ એકમાત્ર સૂકો કચરો એકત્ર કરવાની કચરા પેટીને જાણે કે ઇરાદાપૂર્વક નિશાન બનાવતા હોય તેવું લાગી રહ્યું છે. અગાઉ પણ કચરા પેટી પ્રકરણમાં કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીને ફરજ મોકુફ કરવામાં આવ્યા હતા, ત્યારે ફરી એક વખત કચરા પેટીમાં લાગતી આગ જુનાગઢ કોર્પોરેશન કચેરી સુધી પહોંચે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.