જુનાગઢ : ગઈકાલે રાજકોટ જિલ્લાના જેતપુરમાં ખૂબ જ ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેતપુરમાં કેટલાક કાચા પાકા અને જર્જરિત મકાનો પર ભેખડનો કેટલોક ભાગ ધસી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતાં. ત્યારે જુનાગઢ મનપાએ આ બનાવમાંથી શીખ લઈને પાણી પહેલા પાળ બાંધવાની શરૂઆત કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોએ જુનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં આવેલ જર્જરીત મકાનોને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં ભયજનક અને જર્જરિત મકાનોને સલામત કરવાની સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ જર્જરીત મકાનોના રહેવાસીઓને મકાન ખાલી કરીને અન્ય જગ્યાએ રહેવા માટેની નોટિસ પાઠવી છે.
40 વર્ષ જુના એપાર્ટમેન્ટ : જુનાગઢ મનપા દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં આવેલા સત્યમ અને અજય એપાર્ટમેન્ટને નોટીસ આપવામાં આવી હતી. આ જગ્યાના તમામ રહીશોને મકાન ખાલી કરાવીને બંને રહેણાંક કોમ્પ્લેક્સને બંધ કરી દેવામાં આવ્યા હતા. આ બંને એપાર્ટમેન્ટ જૂનાગઢ શહેરના સૌથી જૂના માનવામાં આવે છે. આજથી 40 વર્ષ પૂર્વે તેનું બાંધકામ થયું છે. જેને કારણે હાલમાં આ તમામ મકાન ખૂબ જ જર્જરીત હાલતમાં છે.
એપાર્ટમેન્ટ કર્યા સીલ : આ બંને એપાર્ટમેન્ટમાં 50 જેટલા પરિવારો રહે છે. જેમાં અંદાજિત 200 થી 300 જેટલા વ્યક્તિઓ તેમના અન્ય પરિવારજનોના ઘરે અથવા સંબંધીઓ તેમજ સગાઓના ઘરે રહેવા માટે જતા રહ્યા છે. ખૂબ જર્જરિત બનેલા બંને એપાર્ટમેન્ટમાં દુર્ઘટના બનવાની શક્યતા છે. આવી ઘટનામાં કોઈ વ્યક્તિ ભોગ ન બને તે માટે જુનાગઢ મનપાએ તમામ રહીશોને મકાન ખાલી કરાવી બંને એપાર્ટમેન્ટને સીલ કર્યા છે.
જુનાગઢ શહેરના સૌથી જૂના સત્યમ અને અજય એપાર્ટમેન્ટના તમામ બ્લોકને ખાલી કરાવીને તેમાં સીલ મારી દેવામાં આવ્યું છે. સંભવિત અકસ્માતને લઈને પણ આ નિર્ણય કરવામાં આવ્યો છે. હજુ પણ જુનાગઢ મનપાની બાંધકામ શાખા દ્વારા જર્જરિત મકાનોને નોટિસ આપવાનું કામ પણ ચાલી રહ્યું છે.-- હરેશ પરસાણા (ચેરમેન, સ્થાયી સમિતિ JMC)
રહીશો સાથે વાતચીત : સત્યમ એપાર્ટમેન્ટના રહીશ ચંદુભાઈ હાલ તેમના પરિવારના ઘરે ગામડે રહેવા માટે જતા રહ્યા છે. તેમણે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારું એપાર્ટમેન્ટ જુનાગઢનું સૌથી પહેલું અને જૂનું એપાર્ટમેન્ટ છે. એપાર્ટમેન્ટની સ્થિતિ ખૂબ જ જર્જરિત છે. આ તમામ પરિસ્થિતિને ધ્યાને રાખીને મનપા દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. તેને લઈને હાલ અમારા પરિવારના અન્ય વ્યક્તિના ઘરે રહેવા માટે જતા રહ્યા છે.