- જૂનાગઢના ધારાસભ્યએ વન વિભાગના અધિકારીઓ પર લગાવ્યો સિંહ દર્શનનો આરોપ
- ગિરનાર રેન્જમાં જાંબુડી થાણા નજીક કરાય છે ગેરકાયદેસર સિંહ દર્શન
- વન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરવા ધારાસભ્યએ કરી માગ
જૂનાગઢઃ જિલ્લાના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ગિરનાર રેન્જમાં આવેલા જાંબુડી થાણા વિસ્તારમાં રાત્રિના સમયે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર સિંહ દર્શન કરાવતા હોવાની ફરિયાદ કરાઇ છે. આવા અધિકારી અને કર્મચારીઓ સામે કાયદેસર પગલાં ભરવાની માગ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ કરી છે. જાંબુડી થાણાથી પાતુરણ માર્ગ પર ખાનગી વાહનોમાં રાત્રિના સમયે ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરાવાય રહ્યાનો આક્ષેપ કર્યો છે અને આ ગેરકાયદેસર સિંહ દર્શનમાં વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામેલ હોવાનો આક્ષેપ પણ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ કર્યો છે.
આ પણ વાંચોઃ ધારી: વનવિભાગે ગીરમાં સિંહની પજવણી કરનારા સગીર સહિત અન્ય એક વ્યક્તિની અટકાયત કરી
ગેરકાયદેસર સિંહ દર્શનમાં સિંહોની કરાઈ રહી છે ખુલ્લેઆમ પજવણી
રાત્રિના સમયે ગેરકાયદેસર સિંહ દર્શન દરમિયાન સિંહોની પજવણી પણ થઈ રહી હોવાનો આક્ષેપ ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ કર્યો છે સિંહ દર્શન માટે આવતા લોકો સિંહોને વન વિભાગના અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પજવતા હોય છે. તેમ છતાં કર્મચારી અને અધિકારીઓ સિંહની પજવણી થતી મૂંગા મોઢે જોઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગીરના સિંહોને સુરક્ષિત રાખવાને લઈને સવાલ ઉપસ્થિત થશે. જેને કારણે સિંહોની સુરક્ષા જોખમાય તે પહેલાં ગેર કાયદેસર રીતે સિંહ દર્શન કરાવતા વન વિભાગના કર્મચારી અને અધિકારીઓ તેમજ ગેર કાયદેસર સિંહ દર્શન કરવા માટે આવતા લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાની માગ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ કરી છે.