જૂનાગઢઃ મહિલાઓને લાલચમાં ભોળવીને તેની વિરુદ્ધ ગુનાઓ કરનારા હરામખોરો બેફામ બન્યા છે. કેશોદ તાલુકાના મેસવાણ ગામની યુવતીને રુપિયા વરસવાની લાલચ આપીને તેના પર ભુવાએ બળાત્કાર ગુજાર્યો છે. યુવતીએ ભુવા સહિત પાંચ વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ પાંચેય નરાધમોની ધરપકડ કરી લીધી છે અને આગળ પણ આ રીતે અન્ય યુવતીઓને ફસાવી છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ કેશોદના મેસવાણ ગામે એક યુવતી કેટરિંગનું કામ કરીને જીવન નિર્વાહ ચલાવે છે. આ યુવતીને ભુવાએ તાંત્રિક વિધિથી રુપિયાનો વરસાદ કરી આપીશ તેવી લાલચ આપી હતી. યુવતી ભુવાની આ જાળમાં ફસાઈ ગઈ હતી. 9મી ડિસેમ્બરે ભુવાએ તાંત્રિક વિધિથી કેવી રીતે રુપિયાનો વરસાદ થાય છે તે જોવા બોલાવી હતી. યુવતી આવતા જ ખરાબ દાનતના ભુવાએ અન્ય ચાર સાગરિતો સાથે મળીને યુવતીનું કારમાં અપહરણ કર્યું. કોઈ અજ્ઞાત વિસ્તારમાં લઈ જઈને ભુવાએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ભુવાના આ પાપમાં ચાર અન્ય આરોપીઓએ મદદગારની ભૂમિકા ભજવી હતી. 14મી ડિસેમ્બરે ફરીથી યુવતીને તાંત્રિક વિધિ બાકી રહી ગઈ છે અને તે પૂરી કરવી પડશે તેમ જણાવીને બોલાવવામાં આવી. જો કે આ વખતે યુવતી ભુવા અને અન્ય આરોપીઓની ખરાબ દાનત સમજી ગઈ હતી. તેથી યુવતી કેશોદ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને પાંચેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેશોદ પોલીસે આઈપીસીની કલમ 374, 506(2) અને 114 અંતર્ગત ગુનો નોંધીને આ પાંચેય આરોપીને રાઉન્ડ અપ કરી લીધા છે. આ કેસમાં યુવતીને જાતિ વિષયક અપમાનિત કરી હોવાથી એસટી એસસી સેલના ડિવાયએસપી કક્ષાના અધિકારી પણ તપાસ કરી રહ્યા છે.
એક વર્ષ અગાઉ પણ આવો જ બનાવઃ જૂનાગઢ પંથકમાં એક ભુવાએ તેમના સાગરિતો સાથે મળીને યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આરોપીઓએ સમગ્ર મામલામાં ઢાંક પીછોડો કરવા માટે ભુવા અને પીડિત યુવતીની હત્યા કરી નાંખી હતી. જો કે પોલીસે આ તમામ આરોપીઓની ધરપકડ કરીને જેલભેગા કરી દીધા હતા. હવે વર્ષ બાદ ફરીથી આરોપી ભુવાએ પોતાની હવસનો શિકાર એક યુવતીને બનાવવાની ઘટના ઘટી છે. કેશોદ પોલીસે આ મામલામાં પાંચેય આરોપીઓને રાઉન્ડ અપ કરી ચૂકી છે.
9 ડિસેમ્બરના રોજ ભુવાએ પીડિતા સાથે તાંત્રિક વિધિના બહાને બળાત્કાર ગુજાર્યો હતો. 14મી ડિસેમ્બરે ફરીથી યુવતીને ભુવા પાસે જવા માટે બોલાવવામાં આવી. આ વખતે યુવતીને આરોપીની ખરાબ દાનતનો અંદાજ આવી ગયો અને તેણી સીધી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે પહોંચી હતી. પોલીસે આઈપીસીની કલમ 374, 506(2) અને 114 અંતર્ગત ગુનો નોંધીને આ પાંચેય આરોપીને રાઉન્ડ અપ કરી લીધા છે. આ આરોપીઓએ અગાઉ ભૂતકાળમાં આ રીતે અન્ય યુવતીઓને ફસાવી છે કે કેમ પોલીસ તેની તપાસ કરી રહી છે. આ કેસમાં યુવતીને જાતિ વિષયક અપમાનિત કરી હોવાથી એસટી એસસી સેલ પણ આગળની તપાસમાં જોડાયો છે...હિતેશ ધાંધલીયા(ડીવાયએસપી, જૂનાગઢ)