જૂનાગઢ : આસુરી શક્તિ પર દેવીય શક્તિના વિજય સમાન હોલિકાનો તહેવાર મનાવવામાં આવે છે. હોળીની જાળ જે દિશામાં જશે તેને લઈને આગામી ચોમાસુ શિયાળો અને ઉનાળાની સ્થિતિનુ પૂર્વાનુમાન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં વર્ષોથી હોળીની જાળને લઈને દેશી આગાહીકારો દ્વારા આગાહીઓ વ્યક્ત કરવામાં આવતી હોય છે. તે મુજબ હોલિકાને પ્રગટાવ્યા બાદ તેની જાળ કઈ દિશામાં જાય છે. તેને લઈને આગામી વર્ષમાં વરસાદ ગરમી કે ઠંડીનું પ્રમાણ કેવું રહેશે તેના પર આગાહીકારો પોતાનુ પુર્વાનુમાન વ્યક્ત કરતા હોય છે. સૌરાષ્ટ્રમાં હોળીની જાળ પરથી આગામી વર્ષનો વર્તારો જોવાની વિશેષ પરંપરા જોવા મળે છે.
દેશી આગાહીકાર : દેશી આગાહીકાર મોહન દલસાણીયાએ જણાવ્યું હતું કે, જે દિશામાં હોળીની જાળ જાય તે દિશામાં તેનું ફળ પ્રાપ્ત થતુ હોય છે. હોળીની જાળ જો ઉત્તર દિશા તરફ જતી જોવા મળે તો ચોમાસામાં ખૂબ સારો વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે. તો હોળીની જાળ અગ્નિ દિશા તરફ જાય તો આ વર્ષે દુષ્કાળની શક્યતા પ્રબળ બનતી હોય છે. આવા વર્ષે ખૂબ જ નહિવત પ્રમાણમાં વરસાદ પડતો હોય છે.
હોળીની જાળ દિશા અને તેનું ફળ : હોળીની જાળ દિશા અને તેના ફળને લઈને વિગતવાર ચર્ચા કરીએ તો હોળીની જાળ ઉત્તર દિશા તરફ જાય તો તે વર્ષે ખૂબ સારો વરસાદ પડવાની શક્યતા જોવા મળે છે. તેવી જ રીતે વાયવ્ય દિશામાં હોળીની જાળ જાય તો વરસાદ ખૂબ જ તોફાની બને. આ વર્ષે ધન અને ધન્યની પેદાવાર પણ ખૂબ વિપુલ પ્રમાણમાં થવાની શક્યતાઓ હોય છે. પશ્ચિમ દિશા તરફ હોળીની જાળ જાય તો તેને ઉત્તમ ફળ આપનારી માનવામાં આવે છે. હોળીની જાળ નૈઋત્ય દિશા તરફ જતી જોવા મળે તો આ વર્ષે ઠંડીનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં જોવા મળે. જેને કારણે ઉનાળાની ઋતુ વિલંબમાં આવી શકે છે.
આ પણ વાંચો : Holi 2023: ગાંધીનગરના પાલજ ખાતે ગુજરાતની સૌથી મોટી હોળી, જાણો અંબાલાલે વરસાદની શું આગાહી કરી ?
દક્ષિણ દિશામાં કીટકોનો પ્રભાવ સૂચવે : દક્ષિણ દિશા તરફ ગયેલી હોળીની જાળ તીડ જેવા કીટકોના ઉપદ્રવની શક્યતાને વ્યક્ત કરે છે. દક્ષિણ દિશામાં ગયેલી હોળીની જાળ વરસાદને ઘટાડવા માટે પણ કારણભૂત માનવામાં આવે છે. તો બીજી તરફ અગ્નિ દિશામાં ગયેલી હોળીની ઝાડ દુષ્કાળની શક્યતાને પ્રબળ બનાવે છે. આ વર્ષે વરસાદનું પ્રમાણ એકદમ નહિવત જોવા મળે છે. જેને કારણે દુષ્કાળ જેવી સ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે.
આ પણ વાંચો : Unseasonal Rain: વરસાદે બગાડી હોળીની મજા, આયોજકો મૂંઝવણમાં
કેવો પડી શકે વરસાદ : હોળીની જાળ પૂર્વ દિશા તરફ જતી જોવા મળે તો આવા વર્ષે ખંડીય વૃષ્ટિ વાળુ ચોમાસું જોવા મળે છે. આ વર્ષે જે વિસ્તારમાં વરસાદ પડે ત્યાં અનરાધાર વરસાદ પડે તો કેટલાક વિસ્તારો એકદમ કોરા ધાકોળ પણ જોવા મળી શકે છે. ઇશાન તરફ ગયેલી હોળીની જાળ ગરમીનું વિશેષ પ્રમાણ સૂચવે છે. આવા વર્ષે ઉનાળો મોડો શરૂ થતો જોવા મળે. જેને કારણે વરસાદનું પ્રમાણ ઘટતા વર્ષ નબળું જવાની શક્યતાઓ વ્યક્ત થઇ શકે છે.