જૂનાગઢઃ ગિરનાર પર્વતને પ્લાસ્ટિક ફ્રી કરવાના હેતુથી વિવિધ પ્રતિબંધો લગાડી દેવામાં આવ્યા છે. તેમજ ગિરનાર પ્લાસ્ટિક પ્રદૂષણ મુક્ત બને તે માટે આકરી કાયદાકીય જોગવાઈ પણ કરવામાં આવી છે. જો કે સમગ્ર પર્વત પરિસર અને તળેટીને પ્લાસ્ટિક ફ્રી બનાવવાના અભિયાનથી મુલાકાતીઓ અને નાના વેપારીઓ બંનેને તકલીફો પડી રહી છે. મુલાકાતીઓને પર્વત ચડતી વખતે રસ્તામાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અને નાના વેપારીઓને આર્થિક ખોટનો સામનો કરવો પડી રહ્યો છે.
પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થાની માંગણીઃ ગુજરાત હાઈ કોર્ટમાં ગિરનાર પર થતા પ્લાસ્ટિક પ્રદૂષણ મુદ્દે સુનાવણી ચાલી રહી છે. તેમજ કોર્પોરેશન અને વન વિભાગ દ્વારા પ્લાસ્ટિકને સમગ્ર પરિસરમાં બેન કરવામાં આવ્યું છે. આ પ્રતિબંધની સામે કોર્પોરેશને પાીના મોટા જગ વેપારીઓને આપીને તેમાંથી પાણી વેચવાની સૂચના આપી છે. જો કે આ વ્યવસ્થા અપૂરતી છે. તેથી ભવનાથ તળેટીથી ગુરુ દત્તાત્રેય શીખર સુધી પીવાના પાણીની યોગ્ય, કાયમી અને નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. પ્રવાસીઓ પીવાના પાણી માટે યોગ્ય વ્યવસ્થાની માંગણી કરી રહ્યા છે. યાત્રાધામ વિકાસ બોર્ડના વહીવટી અધિકારી જણાવે છે કે ગિરનારને પ્લાસ્ટિક ફ્રી કરવા માટે સહયારા પ્રયાસની જરુર છે. પાણી પુરવઠા વિભાગ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા પાણીની કાયમી વ્યવસ્થા માટે જે ઉકેલ જણાવશે તેને અમલ કરવા માટે યાત્રાધામ વિકાસ બોર્ડ તૈયાર છે.
પાણીની પ્લાસ્ટિકની બોટલ બંધ કરવાથી યાત્રિકોને તકલીફ પડી રહી છે. આ પ્રતિબંધની સામે વહીવટી તંત્ર અને કોર્પોરેશને નક્કર અને યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ...ધનંજય અવતડે(યાત્રિક, પુના)
અમને વેપારમાં બહુ ખોટ આવી રહી છે. ગિરનારને પ્લાસ્ટિક ફ્રી કરવી તે અમારી ફરજ છે અમે સૂચના મુજબ કામ કરીશું પરંતુ અત્યારે અમને બહુ તકલીફ પડી રહી છે. અમારા ખર્ચા પણ નીકળતા નથી...સુરેશ સરવૈયા(વેપારી, ગિરનાર પર્વત, જૂનાગઢ)