જૂનાગઢ : આજે જુનાગઢ ખાતે ભારતીય કિસાન સંઘના નેજા નીચે ખેડૂતોનું એક મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાછલા ઘણા વર્ષોથી ખેડૂતોની પડતર માંગણીઓ આજદિન સુધી નિકાલ નહીં થતા ખેડૂતો ખૂબ જ આક્રોશીત જોવા મળતા હતા. ત્યારે તાજેતરમાં જ સરકાર દ્વારા નવી ટાઉન પ્લાનિંગ સ્કીમો જાહેર કરી છે. જેના વિરુદ્ધમાં પણ હવે ખેડૂતોનો જન આક્રોશ રાજ્ય અને કેન્દ્રની સરકાર સામે થઈ રહ્યો છે જેના દર્શન આજે યોજાયેલા ખેડૂત સંમેલનમાં સ્પષ્ટ પણે જોવા મળ્યા હતાં.
ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડ્યા : આજના ખેડૂત સંમેલનમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને સરકાર સમક્ષ રોષ પણ વ્યક્ત કર્યો હતો. આજના ખેડૂત સંમેલનમા ખૂબ મોટી સંખ્યામાં મહિલા ખેડૂતોએ પણ હાજરી આપીને કેન્દ્ર અને રાજ્યની સરકારની નીતિની આકરી ઝાટકણી કાઢી હતી.
ખેડૂતોની અનેક માંગણીઓ પડતર : પાછલા કેટલાક વર્ષોથી રાજ્યના ખેડૂતોની અનેક પડતર માંગણીઓ આજે પણ જોવા મળે છે. જેનો આજ દિન સુધી નિકાલ થયો નથી. રાજ્યની સરકારે નવી ટાઉન પ્લાનિંગ સ્કીમોની જાહેર કરીને ખેડૂતોની ખેતીલાયક જમીનને હડપવાનું હિન કાર્ય કરી રહી હોવાનો ખેડૂતોએ રોષ વ્યક્ત કરીને સરકાર સામે ખૂબ જ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની જમીનના રીસર્વેને લઈને પણ અનેક મુશ્કેલી છે, સરકાર સાંભળતી નથી. આવા સમયે ખેતીલાયક જમીન પડાવી લેવા માટે સરકાર બિલ્ડરોના ઇશારે કામ કરી રહી હોવાનો આક્ષેપ પણ કિસાન સંઘના અગ્રણીએ લગાવ્યો હતો.
કૃષિ પેદાશોના ભાવો તળિયે : એકઠા થયેલા ખેડૂતો અને કિસાન સંઘના આગેવાનોએ કૃષિ જણશોના બજાર ભાવોને લઈને પણ સરકાર સામે ખૂબ જ નારાજગી વ્યક્ત કરી હતી. મગફળી કપાસ સોયાબીન ચણા જેવા કૃષિ પાકો બજારમાં આવતાની સાથે જ તેના ભાવો ઘટી જાય છે. જેને લઈને ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે દર વર્ષે એક ચોક્કસ સમય મર્યાદામાં ડુંગળીની નિકાસબંધી જાહેર કરી દેવામાં આવે છે. જેને કારણે ડુંગળીનો પાક બજારમાં આવવાની સાથે જ તેના ભાવ ગગડવા માંડે છે. જેથી ખેડૂતોને પૂરતું અને પોષણક્ષમ વળતર મળતું નથી. જેને લઈને પણ ખેડૂતો ખૂબ જ આક્રોશિત જોવા મળતા હતાં.