જૂનાગઢમાં ખેડૂતોએ કર્યા વાવણીના શ્રીગણેશ, ધરતીપુત્રો કરી રહ્યા છે મગફળીનું વાવેતર - વાતાવરણમાં પલટો
ચોમાસાના પ્રારંભના દિવસોમાં વરસાદ થઇ જતા જગતનો તાત વાવણી કાર્યમાં સહ પરિવાર સાથે જોડાયો છે. જૂનાગઢ જિલ્લામાં ચોમાસા દરમિયાન મોટેભાગે મગફળીનું વાવેતર કરવામાં આવતું હોય છે તે પરંપરાને જાળવી રાખીને ખેડૂતે આજે બુધવારે વાવણી કાર્યના શ્રીગણેશ કર્યા હતા.

જૂનાગઢઃ જિલ્લા સહિત રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળી રહ્યો છે અને પાછલા બે દિવસથી સતત અને વાવણી લાયક વરસાદ પડતાં જગતનો તાત બુધવારના રોજ તેના પરિવાર સાથે વાવણી કાર્યમાં જોતરાયેલો જોવા મળી રહ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વરસાદ થોડો વહેલો હોવાને કારણે ખેડૂતે વાવણી કાર્યના શ્રીગણેશ એક અઠવાડિયા પહેલા કરી દીધા છે.
ચોમાસા દરમિયાન જૂનાગઢ જિલ્લામાં મોટે ભાગે મગફળીનું વાવેતર કરવામાં આવે છે. જે પરંપરાને આગળ ધપાવતા જગતના તાતે જૂનાગઢ જિલ્લામાં મોટેભાગે મગફળીનું વાવેતર કર્યું છે. પરંતુ કેટલાક વિસ્તારોમાં ચોમાસું પાક તરીકે હવે કપાસનું વાવેતર પણ કેટલાક ખેડૂતો કરી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાની જમીન અને આબોહવા મગફળીના પાકને વધુ અનૂકુળ આવતી હોવાથી તેને લઈને જૂનાગઢ જિલ્લામાં મગફળીનું વાવેતર ચોમાસા દરમિયાન વિશેષ પ્રમાણમાં જોવા મળતું હોય છે.

ગત વર્ષે કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ જવા પામી હતી. પરંતુ કપાસના ભાવો પૂરતા પ્રમાણમાં અને પોષણક્ષમ નહીં મળતા ખેડૂતો આ વર્ષે કપાસના વાવેતરથી અળગા રહે તેવી શક્યતાઓ પણ આજના દિવસે જોવામાં આવી રહી છે.