જૂનાગઢઃ સોમવારે જૂનાગઢની સૌથી મોટી જથ્થાબંધ ગંજ બજાર રજા પાળશે. આ ગંજ બજારમાં 200 જેટલા જથ્થાબંધ વેપારીઓ અનાજ, તેલ. કરિયાણા સહિત અનેક ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. સનાતન ધર્મના 5 હજાર કરતાં પણ વધારે વર્ષ જૂના ઈતિહાસને પુનર્જીવિત થતા પરોક્ષ રીતે જોઈ શકાય, માણી શકાય, દર્શન કરી શકાય તે માટે ગંજ બજાર એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવાયો છે.
120 વર્ષ જૂની પંચહાટડીમાં મહાઆરતીઃ જૂનાગઢનું પંચહાટડી કપડા બજાર 120 કરતા પણથી વધુ વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. આ બજારે સોમવારના દિવસે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભે મહાઆરતીનું આયોજન કર્યુ છે. બજારમાં આવનાર પ્રત્યેક વેપારી અને ગ્રાહકો મહાઆરતીમાં ભાગ લઈ શકશે તેવો નિર્ણય કપડા બજાર એસોસિયેશન દ્વારા લેવામાં આવ્યો છે. રામ મંદિરના મહોત્સવ બાદ બાકીના સમયે કપડાં બજાર ફરીથી રાબેતા મુજબ ધમધમતું થશે જ્યારે ગંજ બજાર આખા દિવસની રજા બાદ બીજા દિવસથી કાર્યરત થશે.
રામભક્તિનો જુવાળઃ પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આખા દેશમાં રામભક્તિનો જુવાળ જોવા મળ્યો છે. જેમાં જૂનાગઢ પણ બાકાત નથી. જૂનાગઢના દરેક મંદિરોમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક મંદિરોમાં ડેકોરેશન ચાલી રહ્યું છે. આ ઉપરાંત જૂનાગઢમાં ઠેર ઠેર વિવિધ કાર્યક્રમોનું આયોજન નાગરિકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ દાણાપીઠ ગંજ બજારમાં સંપૂર્ણ રજા અને પંચહાટડી કપડા બજારમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે દરેક નાગરિકોને ઉત્સાહ અને ઉમંગ છે. આ ઘટનાને ઘરે બેસીને માણી શકાય તે માટે જૂનાગઢ દાણાપીઠ એસોસિયેશને આખો દિવસ રજા પાળવાનો નિર્ણય કર્યો છે. અંદાજ મુજબ વિશ્વની આ એવી ઈવેન્ટ હશે જે દિવસે ઈન્ટરનેટ પર સૌથી વધુ લોકો આ ઘટના લાઈવ જોતા હશે...નિતેશ સાંગલાણી(મહામંત્રી, દાણાપીઠ ગંજ બજાર)