જુનાગઢ : જુનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે. વર્ષ 2016 માં જુનાગઢ તાલુકા અને શહેરમાં હત્યા અને હથિયાર રાખવાના આરોપી સતત પોલીસને થાપ આપીને ફરાર જોવા મળતા હતાં. આ બંને આરોપી બબલુ જરોલીયા અને ટીનું જરોલીયાને જુનાગઢ પોલીસે ઉત્તર પ્રદેશ અને પંજાબમાંથી પકડી પાડીને પાછલા આઠ વર્ષથી પોલીસને હાથતાળી આપીને ગુનો કરવાની ફિરાકમાં રહેલા આરોપીને પકડી પાડ્યા છે.
ચોક્કસ બાતમી મળી : જુનાગઢ પોલીસને બંને આરોપીઓ દેશના અન્ય રાજ્યોમાં છુપાયેલા છે તેવી ચોક્કસ બાતમી મળી હતી. જેને ધ્યાન રાખીને પોલીસે બે અલગ અલગ ટીમો બનાવીને બબલુ જરોલીયાને લુધિયાણાથી અને ટીનું જરોલીયાને ઉત્તર પ્રદેશથી પકડી પાડવામાં આવ્યો છે.
બંને આરોપી વેશ બદલીને રહેતાં હતાં : આઠ વર્ષ બાદ પોલીસ પકડમાં રહેલા બબલુ જરોલીયા અને ટીનું જરોલીયા લુધિયાણા અને ઉત્તર પ્રદેશમાં વેશ બદલીને રહેતા હતાં. બબલુ લુધિયાણામાં કલરકામનું કામ કરતો હતો તો ટીનું ઈટાવામાં રીક્ષા ડ્રાઇવર તરીકે કામ કરતો હતો. પોલીસ પકડમાં રહેલા બંને આરોપીઓ મધ્યપ્રદેશના ગ્યાનપુર ગામના હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસે હાથ ધરી તપાસ : સમગ્ર મામલામાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. આરોપીની પોલીસ આગવી ઢબે પૂછપરછ પણ હાથ ધરવા જઈ રહી છે. આઠ વર્ષ દરમિયાન તેઓ અન્ય કોઈ ગુના કર્યા છે કે કેમ તેમજ ગુજરાતના અન્ય જિલ્લાની સાથે જૂનાગઢમાં અન્ય કોઈ અપરાધની ઘટનામાં સામેલ છે કે કેમ તેને લઈને પણ જુનાગઢ પોલીસ તપાસ કરશે.