જુનાગઢ : જિલ્લાના માળીયાહાટીના તાલુકાના બાબરા ગામનો કિશન વાળા અને તાલાળા તાલુકાના પીપળવા ગામનો નીરવ બામરોટીયા માનવ તસ્કરીનો ભોગ બન્યાં હતાં. જેમાં ગીર સોમનાથ પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય ભગાભાઈ બારડની સાથે રાજ્યના પોલીસવડા અને વિદેશ મંત્રાલયના સંયુક્ત સહકારથી મ્યાનમારમાં બંધક બનાવાયેલા બંને યુવાનોને છોડાવીને પરત તેમના વતન લાવવામાં સફળતા મળી છે.
રોજગાર માટે ગયાં હતાં : આ બંને યુવાનોને અમદાવાદના સ્થાનિક એજન્ટ દ્વારા પ્રથમ દુબઈ અને ત્યાંથી થાઈલેન્ડ રોજગારી માટે મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ આ બંને યુવાનોને થાઈલેન્ડ મોકલવાની જગ્યા પર મ્યાનમારમાં બંધક બનાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો જેનો આજે સુખદ અંત આવ્યો છે.
આ પણ વાંચો રાજકોટમાં અન્ય રાજ્યની NGO સાથે પોલીસના દરોડા, Human trafficking case?
માનવ તસ્કરીના કેસમાં બે યુવાનોને હેમખેમ પરત છોડાવાયા : જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના માળિયા હાટીના અને તાલાળા તાલુકાના બાબરા અને પીપળવા ગામના બે યુવાનોને નોકરી માટે અમદાવાદના સ્થાનિક એજન્ટ મારફતે પ્રથમ દુબઈ અને ત્યાંથી થાઈલેન્ડ મોકલવાના કરાર મુજબ આ બંને યુવાનો દુબઈ પહોંચી ગયા હતા. ત્યાં ત્રણ મહિના સુધી નોકરી કરીને તેને થાઈલેન્ડ મોકલવાની વાત ચાલી રહી હતી. તેની વચ્ચે આ બંને યુવાનોને દુબઈથી મ્યાનમાર ખાનગી કંપનીમાં નોકરી માટે મોકલી દેવામાં આવ્યા હતા. મ્યાનમાર પહોંચતા આ બંને યુવાનો કોઈ મોટી છેતરપિંડી અને માનવ તસ્કરીનો ભોગ બન્યા છે તેવું સામે આવતા તેઓએ અહીં નોકરી કરવાનો ઇનકાર કરી દેતા કંપનીના માલિકોએ આ યુવાનોને મ્યાનમારમાં બંધક બનાવી દેતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આજે પરિવારમાં પહોંચી ગયા યુવાનો : પીપળવા ગામના નીરવ બામરોટીયા આ સમય દરમિયાન તેના માતાપિતાનો સંપર્ક કરતા સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ત્યારે આજે તાલાલાના સ્થાનિક ધારાસભ્ય ભગાભાઈ બારડના પ્રયાસોથી બંધક બનાવાયેલા આ બંને યુવાનો આજે હેમખેમ પોતાના વતન અને પરિવારની પાસે પહોંચી જતા લાગણી સફળ દ્રશ્યો પણ સર્જાયા હતા.
સમગ્ર મામલો આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી સાથે પણ જોડાઈ શકે છે : મ્યાનમારમાં બંધક બનાવાયેલા આ બંને યુવાનો આજે તેના પરિવારમાં જોવા મળતા હર્ષના આંસુઓ સરી પડ્યા હતા. સમગ્ર મામલામાં આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીનો મામલો પણ જોડાઈ શકે છે. જે રીતે ખૂબ મોટી સંખ્યામાં ભારત અને ગુજરાતમાંથી લોકો રોજગારી મેળવવા માટે દુબઈ સહિત અખાતના દેશોમાં જવાનું વધારે પસંદ કરે છે. ત્યારે આ પ્રકારે માનવ તસ્કરીનો ભોગ બનેલા યુવાનોનો કિસ્સો વિદેશમાં નોકરી કરીને પૈસા કમાવાની આશા રાખીને બેઠેલા માતા પિતા અને યુવાનો માટે લાલબત્તી સમાન બની શકે છે.
આ પણ વાંચો 91 લાખની સિગારેટ સ્મગલિંગ મ્યાનમારથી સીમા મારફતે વાયા વાયા સુરત આવી
તમામ ખર્ચ તાલાલાના સ્થાનિક ધારાસભ્યે ઉઠાવ્યો : સદનસીબે આ બંને યુવાનો કોઈ મોટી માનવ તસ્કરીનો ભોગ બનતા પૂર્વે તેમના પરિવાર સુધી પહોંચી જતા તેનું પરિવાર સાથે સુખદ મિલન થયું છે આ યુવાનોને ગુજરાત તેમના વતન લાવવા માટેનો તમામ ખર્ચ તાલાલાના સ્થાનિક ધારાસભ્ય ભગવાન બારડે ઉઠાવ્યો હતો. તો ગીર સોમનાથ પોલીસે તાલાળાના યુવાનના પરિવાર દ્વારા કરવામાં આવેલી પોલીસ ફરિયાદને અંતે રાજ્યના ગૃહ વિભાગ અને વિદેશ મંત્રાલયનાના સંયુક્ત ઓપરેશન દરમિયાન આ બંને યુવાનોને હેમખેમ પરત છોડાવવામાં સફળતા મળી છે.
પીપળવાના યુવાન નીરવ બામરોટીયાએ કરી વાત : તાલાલા તાલુકાના પીપળવા ગામના યુવાન નીરવ બામરોટીયાએ તેને બાંધી રાખવાને લઈને ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓ ગત 14 9 2022 થી અમદાવાદના ખાનગી એજન્ટ મારફતે દુબઈ નોકરી માટે ગયા હતા. ત્યારબાદ તેઓને 12/12/2022 ના રોજ મ્યાનમારના યાગોન સ્થિત ખાનગી કંપનીમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ અહીંની આ કંપની છેતરપિંડી કરતી હોવાની જાણ નીરવ બામરોટીયા અને તેની સાથે રહેલા યુવાનોને થતા તેમણે નોકરી નહીં કરવાનું અને પોતાના વતન મોકલી આપવાની વાત કંપનીના સંચાલકોને કરી હતી. ત્યારે સંચાલકોએ યુવાનોને પરત મોકલવાની જગ્યા પર તેમને બંધક બનાવી દેતા યુવાનોએ પોતાના પરિવારજનોને તાકિદે જાણ કરી હતી. ત્યારબાદ તેમનો આજે અઢી મહિના બાદ છુટકારો થતા આ યુવાનો ગીર સોમનાથ પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય ભગવાનભાઈ બારડને સમગ્ર કિસ્સામાં મદદરૂપ થવા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે આ પ્રકારની ચુંગાલમાં ફસાયા હતા ત્યારે છૂટવાનો કોઈ રસ્તો દેખાતો ન હતો ત્યારે પોલીસ અને સ્થાનિક ધારાસભ્યે ફરી એક વખત વતન પહોંચાડ્યા છે જેની આજે ખુશી જોવા મળે છે.
ધારાસભ્ય ભગવાન બારડે પોતાની ફરજ નિભાવિયાની વ્યક્ત કરી ખુશી : તાલાલાના સ્થાનિક ધારાસભ્ય ભગવાન બારડે બંને બંધક બનાવાયેલા યુવાનોને છોડાવીને તેના પરિવાર સાથે મિલન કરાવવાની ક્ષણે તેમની સામાજિક અને વિસ્તારના પ્રતિનિધિ તરીકેની ફરજ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે મારા મત વિસ્તારના યુવાન ત્યાં ફસાયા છે તેવી જાણ મને તેમના પરિવાર અને પોલીસ દ્વારા થતા મેં તેમને છોડાવવા માટેના પ્રયાસો પ્રથમ દિવસથી શરૂ કર્યા હતા. જેમાં રાજ્યનો ગૃહ વિભાગ વિદેશ મંત્રાલયની સાથે ગીર સોમનાથ પોલીસના સહયોગથી આજે બંધક બનાવાયેલા બંને યુવાનોને શકુશળ તેમના વતન અને પરિવાર સાથે લાવવાની સફળતા મળી છે જેને લઈને હું ખુશ છું. એક લોક પ્રતિનિધિ તરીકે મેં મારી ફરજ અદા કરી છે આનાથી મોટી બીજી કોઈ ખુશી આજના દિવસે ન હોઈ શકે.