જૂનાગઢ : જૂનાગઢ પોલીસને આજે મોટી સફળતા મળી છે. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારના ઝાંઝરડા રોડ અને નંદનવન વિસ્તારમાંથી જુગાર રમતા 18 જુગારીઓને 2,65,000 કરતા વધુની રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે ઝાંઝરડા રોડ અને નંદનવન વિસ્તારમાં બે વ્યક્તિઓ દ્વારા તેમના ભોગવટા વાળા મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને જુગારનો ખેલ ખેલવા માટે મોકળુ મેદાન પુરુ પાડવામાં આવતુ હતુ. જેને પોલીસે ખુલ્લું પાડીને 18 જુગારીઓને પોલીસ કસ્ટડીમાં લીધા છે.
લાખોનો મુદ્દામાલ કબજે કર્યો : નંદનવન વિસ્તારમાં ઘોડીપાસાનો જુગાર જુનાગઢ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરના નંદનવન સોસાયટી વિસ્તારમાં આવેલા જુલેલાલ બેકરી વાળી શેરીમાં શકીલ બલોચ નામનો જુગારી તેમના કબજા અને ભોગવટા વાળા મકાનમાં બહારથી જુગારીઓને બોલાવીને ઘોડીપાસાનો જુગાર રમાડતો હતો. પોલીસની રેડ દરમિયાન 11 જુગારીઓ 1,49,200 રૂપિયાની રોકડ તેમજ 07 મોબાઇલ સાથે પકડી પાડ્યા હોવાની વિગતો ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ જે જે પટેલ દ્વારા માધ્યમોને આપવામાં આવી છે.
રહેણાંક મકાન બન્યું જુગાર નો અડ્ડો : ઝાંઝરડા રોડ વિસ્તારમાં જનક નગર નજીક આવેલા ગુરુકૃપા મકાનમાં નિતીન દેશાણી દ્વારા બહારથી જુગારીઓને બોલાવીને તેમના મકાનમાં તીન પત્તીનો જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે અહીંથી સાત જુગારીઓ 1,16,480 ની રોકડ સાથે પોલીસે સાત જુગારીઓને પકડી પાડ્યા છે. સમગ્ર મામલાની વિગતો બી ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એન એ શાહ દ્વારા માધ્યમોને આપવામાં આવી છે. જુગારના બંને કિસ્સામાં જુનાગઢ પોલીસ દ્વારા જુગાર ધારા એક્ટ 04 અને 05 મુજબ પકડાયેલા તમામ 18 જુગારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.