જુનાગઢ : આયુર્વેદિક દવાના ઓઠા નીચે યુવાનોને નશાના રવાડે ચડાવતા કારસ્તાનનો જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી પૂર્વ બાતમીને આધારે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા શહેરના ધારાગઢ દરવાજા નજીક વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ રીતે અહીંથી સ્કૂટર પર સવાર થઈને નીકળેલા ઈરફાન મલેક અને સોયમ ઠેબા નામના બે શખ્સની તપાસ કરવામાં આવી હતી. જેમાં તેમની પાસેથી 189 નશાકારક કોડઇન ફોસ્ફેટ સિરપ મળી આવી હતી. જેની બજાર કિંમત 35,760 રૂપિયાની આસપાસ થાય છે. જેની સાથે કુલ મુદ્દામાલ મળીને કુલ 95,760 સાથે બંને શખ્સોને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
નશાયુક્ત આયુર્વેદિક સીરપ : પાછલા કેટલાક સમયથી જુનાગઢમાં નામ બદલીને નશાનો કારોબાર કરવામાં આવી રહ્યો છે. તેવા ચિંતાજનક અહેવાલ જૂનાગઢ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી પણ પ્રાપ્ત થયા છે. આ ખૂબ ચિંતાનો વિષય છે. પોલીસને હાલ તો જુનાગઢ શહેરમાંથી 189 જેટલી નશાયુક્ત આયુર્વેદિક સીરપ પકડી પાડવામાં સફળતા મળી છે. પરંતુ એવી શક્યતા નકારી શકાતી નથી કે, આજે જે બોટલોને પકડી પાડવામાં આવી છે. તે પૂર્વે કેટલીક બોટલો સફળતાપૂર્વક શહેરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ચૂકી હશે. પરંતુ જૂનાગઢ પોલીસે આજે નશાયુક્ત બોટલોને યુવાનો સુધી પહોંચે તે પૂર્વે જ પકડી પાડીને પ્રસંસનીય કામગીરીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરંતુ જે રીતે દવાના નામ પર નશા યુક્ત પદાર્થનો વેપલો શરૂ થયો છે. તે ખૂબ જ ચિંતાના વિષય બની શકે છે.
પોલીસ તપાસ : સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને મળેલી ગુપ્ત માહિતીના આધારે નશાયુક્ત સીરપને પકડી પાડવા માટે PI એ. એમ. ગોહિલ સહિત સમગ્ર ઓપરેશન ગ્રુપના પોલીસ કર્મચારીઓ ખાનગી જાહેર વોચ ગોઠવી હતી. જેમાં દવાની આડમાં નશાયુક્ત સીરપની હેરાફેરીનું કારસ્તાન પકડી પાડ્યું છે. હાલ તો આ બંને ઈસમો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ સમગ્ર મામલાની વધુ તપાસ શરૂ કરી છે.