જૂનાગઢ : જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં સંપત્તિ માટે સંબંધોની હત્યાનો ચકચારી કિસ્સો સામે આવ્યો છે. તારીખ 24/06/2023ની રાત્રિના સમયે ચણાકા ગામમાં રહેતી વિધવા મહિલા રસીલાબેન માંડવીયાનું તેમના સસરા શંભુભાઈ માંડવીયા દ્વારા ગળે ટૂંપો આપીને હત્યા કરવામાં આવી છે. સમગ્ર મામલામાં ભેસાણ પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક રસીલાબેનના સસરાને પોલીસે અટકાયત કરીને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો અનુસાર મૃતક રસીલાબેનની હત્યા સંપત્તિના કોઈ મામલામાં સસરા દ્વારા કરાઈ હોવાનો પોલીસના પ્રાથમિક તપાસમાં સામે આવે છે.
પુત્રવધુની હત્યા કરવામાં આવી : રસીલાબેન માંડવીયાના ભાઈ રમેશભાઈ લાખાણી દ્વારા તેમની બહેનની હત્યા તેમના સસરા દ્વારા કરવામાં આવેલી છે. તે મુજબની પોલીસ ફરિયાદના આધારે ભેસાણ પોલીસે મૃતક મહિલાના સસરા શંભુભાઈ માંડવીયાની અટકાયત કરી છે. આજથી પાંચ વર્ષ પૂર્વે રસીલાબેનના પતિ જયેશભાઈ માંડવીયાનું અવસાન થયું હતું. ત્યારબાદ રસીલાબેન અને તેમના બે સંતાનો ચણાકા ગામમાં રહેતા હતા. ત્યારે અચાનક સંપત્તિના કોઈ મામલાને લઈને સસરા દ્વારા પુત્રવધુ રસીલાબેનની હત્યા કરવામાં આવી છે.
પોલિસે સસરાની કરી અટકાયત : રસીલાબેનની હત્યાના કિસ્સામાં ભેસાણ પોલીસે તપાસ શરૂ કરી છે. ભેસાણ PSI સરવૈયા દ્વારા ગત રાત્રિના સમયે જ શંભુભાઈ માંડવીયાની અટકાયત કરવામાં આવી છે. પરંતુ સમગ્ર હત્યાકાંડમાં અન્ય કોઈ આરોપી છે કે કેમ તેને લઈને પણ પોલીસ ખૂબ જ ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. શંકાને આધારે હાલ પોલીસ હત્યામાં એક કરતાં વધુ વ્યક્તિ હોવાની શક્યતાને નકારતા નથી. તેને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. બની શકે આગામી દિશામાં રસીલાબેનની હત્યાના ગુનામાં અન્ય કોઈ વ્યક્તિની અટકાયત પણ થઈ શકે છે. તેવી તમામ શક્યતાઓની વચ્ચે આજે મૃતક રસીલાબેનના ભાઈની ફરિયાદને આધારે ભેસાણ પોલીસ તપાસ કરી રહી છે.