જૂનાગઢઃ શહેરની રુપાયતન સંસ્થા દ્વારા એક પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ખાસ ઉપસ્થિતિ હતી. અમિત શાહે આ 'દિવ્યકાન્ત નાણાવટી ભૂલાય તે પહેલા' પુસ્તકનું વિમોચન કર્યુ હતું. આ ઉપરાંત તેમણે નાણાવટી પરિવારે મુશ્કેલીના સમયમાં અદભુત કાયદાકીય મદદ કરી હોવાનો ઉલ્લેખ કરીને આભાર પ્રગટ કર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન રુપાયતન સંસ્થાના પ્રમુખ નિરુપમ નાણાવટી દ્વારા કરવામાં આવ્યું હતું.
હું પાંચ મિનિટ પહેલાં જેલ પ્રધાન હતો પાંચ મિનિટ બાદ જેલનો કેદી હતો. આ કપરા સમયે કોની મદદ લેવી તેના મંથનમાં નાણાવટી પરિવારનું નામ ચર્ચામાં આવ્યું હતું. નિરુપમ નાણાવટી સહિત સમગ્ર નાણાવટી પરિવારે તે સમયે કાયદાકીય જે મદદ કરી તેનો હું આભારી છું. અમિત શાહ, કેન્દ્રીય ગૃહ પ્રધાન
દિગ્ગજોનો મેળાવડોઃ જૂનાગઢ સ્થિત રુપાયતન સંસ્થાના આ કાર્યક્રમમાં રાજકારણ, લોકસાહિત તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તક વિમોચન પ્રસંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ઉપરાંત રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણી, પૂર્વ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ભુપેન્દ્ર ચુડાસમા, પદ્મશ્રી ભીખુદાન ગઢવી અને હેમતં ચૌહાણ ઉપરાંત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાણાવટી પરિવારના સભ્યો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમિત શાહે આભાર વ્યક્ત કર્યોઃ જૂનાગઢના શ્રેષ્ઠી અને પૂર્વ કેબિનેટ પ્રધાન દિવ્યકાન્ત નાણાવટીના માનમાં આ પુસ્તક વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કૉગ્રેસે કરેલા કેસ દરમિયાન જેલવાસ ભોગવવાનો વારો આવ્યો હતો. તે યાદ કરીને આ જેલવાસમાંથી મુક્ત કરવા નાણાવટી પરિવારે ખૂબ જ કાયદાકીય મદદ કરી હોવાનું યાદ કર્યુ હતું. તેમણે નિરુપમ નાણાવટી સહિત નાણાવટી પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.