જૂનાગઢ : કોરોના સંક્રમણ વચ્ચે જૂનાગઢ જિલ્લામાં તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસેલા અતિભારે વરસાદને કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આવા સંકટના સમયમાં ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળી રહે અને ખેતીના પાકનુ રક્ષણ થાય તેવા ઉદ્દેશ સાથે મંગળવારે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ખેડૂતોને માહિતી આપતા માર્ગદર્શક ઓનલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાં અને ખાસ કરીને સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લાના કેટલાક તાલુકાઓમાં તો લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થયું છે, આ દિવસોમાં ખેડૂતો ખૂબ જ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યા છે. પોતાના જીવ સમા કૃષિ પાકને બચાવવા અને ટકાવી રાખવા માટે આજે પણ મથામણ કરતો જોવા મળી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં ખેડૂતોની વહારે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આવી છે અને વરસાદની પરિસ્થિતિમાં ખેડૂતોએ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા જોઈએ તે અંગે ઓનલાઈન માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.
આ સેમિનારમાં ખાસ કરીને અતિ ભારે વરસાદ અને ખેતરમાં ભરાઈ રહેલા વરસાદી પાણીને લઇને ખેડૂતોને યુનિવર્સિટીના અધ્યાપકો, વિભાગના વડાઓ અને જે તે વિષય પર સંશોધન કરતા વૈજ્ઞાનિકોએ અલગ-અલગ વિષયો પર પોતાની તલસ્પર્શી માહિતી સોશિયલ મીડિયા મારફતે ખેડૂતો સુધી પહોંચાડી હતી. વર્તમાન સમયમાં જૂનાગઢ જિલ્લાની વાત કરીએ, તો મોટાભાગના ખેતરોમાં આજે પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો પોતાના પાકોનુ કઈ રીતે રક્ષણ કરી શકે અને આગામી દિવસોમાં કેવી તકેદારી રાખવી જોઇએ તે અંગેની તમામ માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી.