જૂનાગઢઃ આજે જૂનાગઢમાં લોકસભા બેઠક પર કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં કૉંગ્રેસ અગ્રણી, નેતા અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિ સિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ પણ ઉપસ્થિત હતા. ઈટીવી ભારતે ઈન્દ્રનીલ રાજ્યગુરુ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં ઈન્દ્રનીલ રાજ્યગુરુએ શિખા શા માટે વધારી છે તેનું કારણ પણ જણાવ્યું હતું.
ભાજપનું 27 વર્ષનું કુશાસનઃ કૉંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ભાજપના 27 વર્ષના શાસનને કુશાસન ગણાવ્યું હતું. તેમજ કોંગ્રેસનું સુશાસન ફરી આવે તે માટે આજના કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું મહત્વ જણાવ્યું હતું. તેમણે આગામી લોકસભા અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ભાજપ પર વાકપ્રહાર કર્યા હતા. ભાજપના 27 વર્ષના શાસનમાં બેરોજગારી, મોંઘવારી, ગુનાખોરી અને સામાજિક અપરાધો ચરમસીમા પર જોવા મળે છે. આ સમયે કૉંગ્રેસ પ્રજાની પડખે ઊભી રહી છે. ભાજપના 27 વર્ષના કુશાસનનો અંત કઈ રીતે લાવી શકાય તે માટે આગામી દિવસોમાં કૉંગ્રેસ આગળ વધશે. ગુજરાત ભાજપનું રોલ મોડલ છે પરંતુ અહીં જ મોંઘવારી, બેરોજગારી અને અરાજકતા જોવા મળે છે. જેની પ્રત્યે મતદારો ને જાગૃત કરવા કાર્યકર્તાઓ સાથે આજે સંવાદ કરવામાં આવ્યો હતો.
શિખાનું કારણઃ જૂનાગઢ આવેલા કૉંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ તેમની શિખા માટે નિવેદન આપ્યું છે. ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી જેવી સમસ્યાઓ ઉપરાંત ખેડૂત, મજૂર, મધ્યમ વર્ગ ગરીબ અને મહિલા વર્ગ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યો છે. ભાજપના 27 વર્ષના કુશાસનની આ નિશાની છે. આ સંજોગોમાં જ્યાં સુધી ભાજપનું આ કુશાસન ગુજરાત અને દેશમાંથી દૂર નહિ થાય તેમજ મોંઘવારી, બેરોજગારી જેવી સમસ્યાઓમાંથી પ્રજા મુક્ત નહિ થાય ત્યાં સુધી તેઓ પોતાની શિખાને સતત વધારતા રહેશે. જ્યારે કોંગ્રેસનું શાસન આવશે અને પ્રજા ફરી એક વખત આઝાદીનો અનુભવ કરશે ત્યાર બાદ આ શિખાને કાપવાની ઈચ્છા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ વ્યક્ત કરી હતી.
ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી જેવી સમસ્યાઓ ઉપરાંત ખેડૂત, મજૂર, મધ્યમ વર્ગ ગરીબ અને મહિલા વર્ગ પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યો છે. ભાજપના 27 વર્ષના કુશાસનની આ નિશાની છે. આ સંજોગોમાં જ્યાં સુધી ભાજપનું આ કુશાસન ગુજરાત અને દેશમાંથી દૂર નહિ થાય તેમજ મોંઘવારી, બેરોજગારી જેવી સમસ્યાઓમાંથી પ્રજા મુક્ત નહિ થાય ત્યાં સુધી હું આ શિખા વધારીશ...ઈન્દ્રનીલ રાજ્યગુરુ(નેતા, કૉંગ્રેસ)