જૂનાગઢઃ શહેરની જિલ્લા કલેક્ટર કચેરીમાં આજે રાજ્ય અને દેશની પ્રથમ હ્યુમન લાઈબ્રેરી(India first human library) જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચીત રાજે આજે ખુલ્લી મૂકી હતી. હ્યુમન લાયબ્રેરીની (Human library )વ્યવસ્થા ડેનમાર્ક જેવા દેશોમાં જોવા મળે છે. આ હ્યુમન લાઇબ્રેરીમાં (Human Library Junagadh)પુસ્તકો હોતા નથી પરંતુ રીસેસના સમય દરમિયાન લોકો અહીં બેસીને પોતાના સુખ દુઃખ અને તેમના જીવન વિશેની વાતચીતો એકબીજા સાથે ખુલ્લા મને કરી શકે તે માટેની આ હ્યુમન લાઈબ્રેરીનું સમગ્ર દેશમાં પ્રથમ વખત જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે ખુલ્લી મુકવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના જાણીતા ડૉ. સુધીર શાહની 9000 પુસ્તકોની અનોખી લાઇબ્રેરી
લાઇબ્રેરી ખૂબ મહત્વની સાબિત થશે - કલેક્ટર કચેરીમાં બપોરના 1 થી લઈને ત્રણ વાગ્યા દરમિયાન કર્મચારીઓ અહીં બેસીને ભોજન નાસ્તો કરી શકે છે અને સાથે સાથે એક બીજા કર્મચારીઓ સાથે માનવતા અને લાગણીભર્યા સંબંધોથી જોડાઈને માનસિક તાણને દૂર કરવા આ લાઇબ્રેરી ખૂબ મહત્વની સાબિત થશે. જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચીત રાજે માનવ લાઈબ્રેરી ખુલી મૂકવા પાછળ પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આધુનિક સમયમાં લોકો યંત્રવત્ બની ગયા છે મોબાઈલ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ સાથે માણસ જોડાઈને ધીમે ધીમે લાગણી શૂન્ય બની રહ્યો છે જેને કારણે તેની વિપરીત અસરો પ્રત્યેક વ્યક્તિના સામાજિક માનસિક અને આર્થિક પાસા ઉપર પડી રહી છે.
આ પણ વાંચોઃ ધરમપુરમાં સને 1886માં સ્થાપિત લાઇબ્રેરી સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિધાર્થીઓ માટે બની ઉપયોગી
માનસિક તાણ દૂર કરી શકે તે માટેની વ્યવસ્થા - વર્તમાન સમયમાં કર્મચારીઓ કે જે સીધી રીતે અરજદારો સાથે જોડાયેલા છે તે માનસિક તાણમાંથી દૂર થાય અને પોતાના જીવનના સારા નરસા પ્રસંગો એક બીજા સાથે આપ લે કરીને માનસિક તાણ દૂર કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરાઈ છે. કર્મચારીઓ પોતાના જીવનના અનુભવો અહીં પોતાના સહકર્મચારીઓ સાથે શેર કરવાથી કર્મચારીની માનસિક સ્થિતિમાં સુધારો થશે અને કર્મચારી હકારાત્મક અભિગમ સાથે કચેરીમાં કામ કરતા જોવા મળશે જેની હકારાત્મક અસર કચેરીમાં કામ માટે આવતાં અરજદારો પર પણ જોવા મળશે.