- કોરોના સંક્રમણ અને લૉકડાઉન બાદ ગુરુવારથી ફરી શરૂ થયું ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ
- જૂનાગઢમાં પણ ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ધોરણ 6, 7 અને 8માં શૈક્ષણિક કાર્ય શરૂ
- તમામ તકેદારીને ધ્યાનમાં રાખી અને વાલીઓના સંમતિપત્ર બાદ વિદ્યાર્થીઓને અપાયો પ્રવેશ
જૂનાગઢઃ જૂનાગઢમાં કોરોના ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન સાથે હવે ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેવાયું છે. હવે વિદ્યાર્થીઓ શાળાએ જઈને ભણી શકશે. જોકે, શાળાઓએ વિદ્યાર્થીઓ પાસે સહમતિ પત્ર ફરજિયાતપણે મગાવ્યા છે, જે વિદ્યાર્થીના વાલીએ સહમતિપત્ર આપ્યું હશે તેવા વિદ્યાર્થીને જ શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
શાળામાં તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે
જૂનાગઢમાં શાળાઓ શરૂ થતા દરેક વિદ્યાર્થીઓનું તાપમાન ચેક કરવામાં આવ્યું હતું. આ સાથે જ સેનિટાઈઝેશન પણ કરાયું હતું. શાળામાં તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે.
10 મહિના કરતા વધુના સમય બાદ વિદ્યાર્થીઓ શાળામાં આવ્યાં
કોરોના સંક્રમણને કારણે છેલ્લા 10 મહિનાથી ઓનલાઈન શિક્ષણથી કંટાળેલા બાળકોએ શાળાનો દરવાજો જોતા ખુશી અનુભવી હતી. જો કે, કોરોના સંક્રમણ ઘટતા શાળા શરૂ કરવાના નિર્ણયને વાલીઓએ અને શાળાએ આવકાર્યો હતો. શાળામાં શિક્ષકોએ પણ બાળકોને શાળાએ આવવા બદલ પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓ અને વાલીઓએ એકબીજાને 10 મહિના પછી જોતા તમામ લોકો ભાવુક થઈ ગયા હતા.