જૂનાગઢઃ બુધવારથી સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમણને કારણે 250 કરતાં વધુ લોકોના જીવ ગયા છે તેવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલાને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર સૌરભ પારધીએ સોશિયલ મીડિયા અને માધ્યમોમાં ચાલેલા કેટલાક મેસેજને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા હતા અને સમગ્ર મામલાને લઈને તેઓ ખુદ તપાસ હાથ ધરશે તેવું ETV ભારત સમક્ષની વાતચીતમાં જૂનાગઢ વાસીઓને ભરોસો આપ્યો હતો.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલા કોવિડ આઇસોલેશન વોર્ડમાં છેલ્લા કેટલાક દિવસમાં કોરોના સંક્રમણને કારણે 250 કરતાં વધુ લોકોના મોત થયા છે તેવા સમાચારો સોશિયલ મીડિયા અને કેટલાક માધ્યમોમાં વાયરલ થયા હતા. જેને લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર સમગ્ર મામલાને ખોટા અને પાયા વિહોણા ગણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ તેઓ પોતે કરશે અને આગામી દિવસોમાં ભય ફેલાવવા માટે જે લોકો કારણભૂત જણાઈ આવશે તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
સોશિયલ મીડિયા અને માધ્યમોમાં જૂનાગઢ જિલ્લા અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિ ખૂબ જ કથળી રહી છે. જેને કારણે કેટલાક દિવસો દરમિયાન 250 કરતા વધુ લોકોના મોત થયા હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો.
વાયરલ થયેલા આ આંકડાઓને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બિલકુલ પાયા વિહોણા અને ખોટા ગણાવવામાં આવ્યાં છે. જિલ્લા કલેક્ટરે સમગ્ર મામલાની તપાસ કરવા અને જે કઈ પણ ભય ફેલાવવા માટે ખોટી માહિતીને વાયરલ કરી રહ્યાં છે તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.