છેલ્લા બે દિવસથી ભાદરવામાં અષાઢી માહોલ સર્જાતા સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા જ્યાં નજર પડે ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યા હતાં. જૂનાગઢના માળિયા હાટીના, માંગરોળ અને સાસણમાં ભારે વરસાદ પડતા સાસણ નજીકથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ગીરના જંગલોમાં પડેલા ભારે વરસાદને લઈને નદીમાં પાણીનો ભારે પ્રવાહ આવ્યો હતો.
બીજી તરફ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામમાં એક સાથે 8 ઇંચ વરસાદ પડી જતા ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. લાંબા ગામમાં ધોધમાર વરસાદ પડતા ખેતરો નદી બનીને વહેતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. આજથી આસો માસની શરૂઆત થાય છે, ત્યારે આજે ચોમાસુ વિધિવત વિદાય લે છે. પરંતુ, છેલ્લા બે દિવસથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડતા જ્યા નજર પડે ત્યાં વરસાદી પાણી નદી બનીને વહી રહ્યા છે.