જૂનાગઢઃ સંકટ મોચનના ચરણોની નીચે પનોતી જોવા મળે છે. સાથે હનુમાનજી મહારાજના હાથમાં પનોતીની શિખા હોય તેવા ઐલોકીક દર્શન મંદિરમાં થઈ રહ્યા છે. હનુમાન જયંતિના પાવન પ્રસંગે પનોતીનું નિર્મૂલન કરતા હનુમાનજી મહારાજના દર્શન કરવા ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે. હનુમાન જયંતીના પાવન પ્રસંગે સંકટ મોચન હનુમાનજી મહારાજ શા માટે સંકટનું મોચન કરનાર કહેવાયા તે હનુમાનજીની પ્રતિમા પરથી ધાર્મિક દ્રષ્ટિએ ફળીભૂત થાય છે.
શનિ મહારાજ સાથે યુદ્ધઃ હનુમાનજી મહારાજના ચરણોમાં જે પાત્ર જોવા મળે છે. તેને આપણે પનોતી તરીકે ઓળખીએ છીએ. પરંતુ વાસ્તવમાં તે શનિદેવ છે. ભગવાન હનુમાનજી સાથે શનિ દેવનું યુદ્ધ થયું હતું. તે યુદ્ધમાં શનિ મહારાજ નો પરાજય થયો હતો. જેથી હનુમાનજી મહારાજે શનિદેવને પોતાના ચરણોમાં દબાવીને તેની શિખા હાથમાં પકડીને શનિદેવને સબક શીખવાડ્યો હતો. શનિ મહારાજે પણ હનુમાનજીને વચન આપ્યું હતું કે, કોઈ પણ ભક્ત તમારી પૂજા અને ભક્તિ કરશે. તેને હું શનિ તરીકે કોઇ પણ જાતનું કષ્ટ કે નુકસાન નહીં કરી શકું.
હનુમાનજીને હરાવવાનો પ્રયાસઃ હનુમાનજી મહારાજના ચરણોમાં જે નારી જોવા મળે છે તે શનિ મહારાજ છે. ધાર્મિક માન્યતા અને પૌરાણિક કથાઓ અનુસાર હનુમાનજી મહારાજ અને શનિદેવ વચ્ચે યુદ્ધ થયું હતું. તેની પાછળનું ધાર્મિક અને રસપ્રદ તારણ એટલું જ પ્રાસંગિક છે. શનિ મહારાજ પોતે માનતા હતા કે તેમના જેવા સમર્થ અને શક્તિશાળી અખિલ બ્રહ્માંડમાં કોઈ નથી. હનુમાનજી મહારાજને યુદ્ધ માટે શનિદેવે લલકાર્યા હતા. હનુમાનજી તેમજ શનિદેવ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું.
આ પણ વાંચોઃ Junagadh News : આ શ્રાવક પરિવાર ઉપાશ્રયોને પુરા પાડે છે વિનામૂલ્યે શેકેલા ગાંઠિયા
શનિદેવ હાર્યાઃ આ યુદ્ધમાં શનિ મહારાજ પોતાની હાર ભાળી જતાં તેમણે નારીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. શનિદેવ એવું માનતા હતા કે, હનુમાનજી મહારાજ બ્રહ્મચારી છે. આ માટે એક નારીના સ્વરૂપમાં મારી સાથે યુદ્ધ નહીં કરે. આ યુદ્ધમાં હાર સ્વીકારી લેશે. તેવો વિચાર કરીને શનિદેવે નારીનું રૂપ પરિવર્તન કર્યું. મહિલાના રૂપમાં હનુમાનજી સાથે યુદ્ધ કરવા લાગ્યા.
હનુમાનજી મહારાજનો વિજય: હનુમાનજી મહારાજે પણ મહિલાના રૂપમાં આવેલા શનિદેવને તેના ચરણ નીચે દબાવીને તેની શિખા હાથ વડે પકડી યુદ્ધમાં હનુમાનજી મહારાજે વિજયશ્રી પ્રાપ્ત કર્યો હતો. આવી પરિસ્થિતિમાં સદગુરુ કોઈ પણ અનિષ્ટ તત્ત્વોનો નાશ કરવા માટે નર કે નારી તત્વમાં કોઈ પણ ભેદ ન રાખી શકે. તેને કારણે જ શનિદેવની મહિલાના સ્વરૂપમાં યુદ્ધ જીતવાની અંતિમ પ્રયુક્તિ પણ નિષ્ફળ નીવડી અને યુદ્ધમાં હનુમાનજી મહારાજ નો વિજય થયો. હનુમાનજી મહારાજના ચરણોમાં શનિદેવ જોવા મળે છે. તેની શિખા કષ્ટભંજન દેવે પોતાના હાથમાં ધારણ કરીને પનોતીનું નિર્મૂલન કરતા હોય તેવા દર્શન આપી રહ્યા છે.