જૂનાગઢ: આજથી અમલમાં આવતાં અનલોક તબક્કાના ત્રીજા રાઉન્ડમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવી રહી છે. જેમાં જિમ અને જિમ્નેશિયમો કેટલીક શરતોને આધીન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવતા આજથી જૂનાગઢ શહેરમાં આવેલા દસ કરતાં વધુ જિમ અને જિમ્નેશિયમ શરૂ કરવામાં આવ્યાં છે, ત્યારે છેલ્લા 125 કરતા વધુ દિવસથી કસરત માટે તલપાપડ યુવાનો આજે કસરત કરતા જોવા મળ્યાં હતાં.
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ દિશા-નિર્દેશો મુજબ જીમમાં કસરત માટે આવતા તમામ કસરતબાજ યુવાનો માટે સામાજિક અંતરની સાથે સેનિટાઇઝર ફરજિયાત કરવામાં આવ્યું છે. દરેક કલાક બાદ જીમના તમામ કસરતના ઉપકરણો જંતુ મુક્ત કરવાની સાથે મર્યાદિત સંખ્યામાં દરેક સેશન માટે કસરત બાજોને હાજર રહેવાની શરતો પણ લાગુ કરવામાં આવી છે. જે તમામનો ચુસ્તપણે પાલન કરીને આજથી જૂનાગઢ શહેરમાં આવેલા જીમ અને જીમ્નેશિયમમાં શરૂ કરવામાં આવ્યાં છે.
શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે કસરત કરીને પરસેવો પાડતા યુવાનો દિવસમાં એકવાર આધુનિક સાધનોની મદદથી આકરી કસરતો કરીને કોરોના સામે કસરતના માધ્યમ થકી ફરી એક વખત જંગે ચડતા જોવા મળી રહ્યાં છે.