જૂનાગઢઃ રવિવારે ગુરૂ પૂનમનો પાવન પર્વ નિમિત્તે શિષ્યો દ્વારા ગુરૂની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. ત્યારે ગુરૂ પુનમના દિવસે દાતાર પર્વત પર વર્તમાન મહંત ભીમ બાપુ દ્વારા બ્રહ્મલીન મહંત પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન કરીને ગુરૂ પૂર્ણિમા ઉમંગભેર ઉજવવામાં આવી હતી.
આ દરમિયાન દર્શન કરવા આવતા શિષ્યો તેમજ ભક્તોનું થર્મલ ટેમ્પરેચર ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. તેમજ મંદિર પરિસરમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા પોલીસ જવાન હાજર રહ્યા હતા.
- મહંત ભીમ બાપુએ પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિની પૂજા કરી
- પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિને દૂધ અને જળાભિષેકથી પવિત્ર કરી
- બન્ને સમાધિ સ્થળની પૂજા કરી
- ભીમ બાપુના સેવકોએ ભીમ બાપુને વંદન કરી તેમના આશીર્વાદ મેળવ્યા
ગુરૂ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે દરેક શિષ્ય તેમના ગુરૂજનની પૂજાવિધિ કરીને તેમની કૃપા અને આશીર્વચન મેળવતા હોય છે. ત્યારે જૂનાગઢમાં આવેલા દાતાર પર્વત પર પણ ગુરૂ પુનમનું પર્વ ધાર્મિક આસ્થા અને ભાવભર્યા વાતાવરણ વચ્ચે ઊજવવામાં આવ્યું હતું. દાતારની જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા બ્રહ્મલીન મહંતોની સમાધીની પૂજા કરવામાં આવી હતી.
વહેલી સવારે મહંત ભીમ બાપુએ બ્રહ્મલીન મહંત પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિને દૂધ અને જળાભિષેકથી પવિત્ર કરી હતી, અને ત્યાર બાદ પંડિતોની હાજરીમાં ધાર્મિક વિધિ સાથે બન્ને સમાધિ સ્થળની પૂજા કરી હતી. વર્તમાન મહંત ભીમ બાપુના સેવકોએ ભીમ બાપુને વંદન કરી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.