જૂનાગઢ : ગુરુ પૂર્ણિમાના અવસર પર જૂનાગઢમાં હુલામણા નામથી પ્રખ્યાત ઢોલક વાદક હાજી રમકડું ઉર્ફ કાસમ રાઠોડે તેમના ગુરુ પ્રાણલાલ વ્યાસને અનોખી રીતે અંજલી આપી છે. જ્યારે પ્રાણલાલ વ્યાસ હયાત હતા તેના સમયમાં ડાયરાનું આયોજન થતું હતું. તેની સાથે હાજી રમકડુંની હાજરી અનિવાર્ય જોવા મળતી હતી, ત્યારે આજે પ્રાણલાલ વ્યાસના દેહાંત બાદ હાજી રમકડું એ તેને સંગીત સભર રીતે યાદ કર્યા હતા. હાજી રમકડાએ પ્રાણલાલ વ્યાસની પ્રતિમા સામે ઢોલક વગાડીને તેમના ગુરુને અનોખી રીતે યાદ કર્યા હતા. હાજી રમકડું એ પ્રાણલાલ વ્યાસની ત્રીજી પેઢી સાથે હાર્મોનિયમ પર ભજનની સૂરાવલિ કરી હતી.
પ્રાણલાલ વ્યાસ જેવા સર્વોત્તમ ગુરુને કારણે જૂનાગઢના એક સામાન્ય ઢોલક વાદક કાસમ રાઠોડને હાજી રમકડું જેવું ઉપનામ મળ્યું હતું. આજે મને કાસમ રાઠોડથી કોઈ ઓળખતું નથી, પરંતુ આજે હાજી રમકડું નામ પડતા જ મારી ઓળખ થાય છે. જે મને મારા ગુરુ પ્રાણલાલ વ્યાસ દ્વારા મળી છે. આજે પ્રાણલાલ વ્યાસની ત્રીજી પેઢી સાથે હાર્મોનિયમ અને ઢોલકના સંયોગે ગુરુપૂર્ણિમા ઉજવાની જે તક પ્રાપ્ત થઈ છે. તે પણ હું મારા ગુરુ પ્રાણલાલ વ્યાસને સમર્પિત કરું છું - હાજી રમકડું ઢોલક વાદક
ત્રીજી પેઢી સાથે હાજી રમકડુંનું સંગીત તાલ : ગુરુ પૂર્ણિમાના પ્રસંગે પ્રાણલાલ વ્યાસના દીકરાના દીકરા કે જે હાલ બાલ્ય અવસ્થામાં છે, પરંતુ પારણામાં જ સંગીતની કલા વારસામાં મળી હોય તે રીતે તે તેના દાદાની માફક હાર્મોનિયમ પર ભજનની સૂરાવલિ રેલાવતો જોવા મળે છે, ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે કાવ્ય વ્યાસ સાથે હાજી રમકડું એ ઢોલકનો તાલ મિલાવીને જાણે કે પ્રાણલાલ વ્યાસના સ્મરણોને આજે ગુરુપૂર્ણિમાના દિવસે વાગોળ્યા હતા. જે રીતે એક આદર્શ ગુરુની પૂજા શિષ્ય દ્વારા થતી હોય છે, તે જ રીતે આજે હાજી રમકડુંએ પ્રાણલાલભાઈની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને તેની આરતી ઉતારી સનાતન ધર્મમાં જે રીતે ગુરુ શિષ્યની પરંપરાને સર્વોત્તમ માનવામાં આવી છે. તેજ રીતે આજે હાજી રમકડું એ પ્રાણલાલ વ્યાસને યાદ કર્યા હતા.