જૂનાગઢ : ચોમાસાની ઋતુ ચાલી રહી છે. વરસતા વરસાદની વચ્ચે વાતાવરણની ઠંડક સૌ કોઈને ગરમાગરમ ભજીયાની યાદ અપાવે છે. વર્ષ દરમિયાન ચોમાસાના દિવસોમાં ભજીયાની ખપત અને તેનો સ્વાદ સૌથી બહોળા પ્રમાણમાં લોકો માણતા હોય છે. સૌથી વધારે ભજીયા ખવાય રહ્યા છે પ્રત્યેક સજીવોની જઠરાગ્નિ મંદ પડતી હોય છે, ત્યારે આવા સમયે જો જઠરાગ્નિને પ્રદીપ્ત માટે ચોમાસાના દિવસો દરમિયાન ભજીયા સ્વાદની સાથે સ્વાસ્થ્યને પણ ઉત્તમ બનાવી શકે છે. જેને કારણે ચોમાસાના દિવસો દરમિયાન સૌથી વધારે ભજીયાની માંગ જોવા મળે છે.
ભજીયામાં મેળવવામાં આવતા ખાદ્ય પદાર્થો : ભજીયા મુખ્યત્વે ચણાના લોટમાંથી બનાવવામાં આવતા હોય છે, પરંતુ તેમાં આયુર્વેદની દ્રષ્ટિએ અને ચોમાસાની ઋતુને ધ્યાન રાખીને કેટલાક ખાદ્ય પદાર્થો ઉમેરવામાં આવે છે. જેમાં મરી, હિંગ, આદુ, મેથી, પાલક, અજમો, લસણ, ડુંગળી, ફુદીનો અને ગરમ મસાલાનું મિશ્રણ કરીને ચણાના લોટ સાથે ભજીયા બનાવવામાં આવે છે. જે સ્વાદની સાથે આરોગ્ય માટે ચોમાસાની ઋતુ દરમિયાન લાભપ્રદ માનવામાં આવે છે, પરંતુ જે લોકોને તબીબી સલાહ અનુસાર તળેલી કે ભજીયા જેવી ચીજો ખાવાની મનાઈ કરવામાં આવી છે. તેવા તમામ લોકોએ ચોમાસા દરમિયાન પણ ભજીયા ખાવાથી દૂર રહેવું જોઈએ.
ભજીયામાં સામેલ ખાદ્ય પદાર્થોના ગુણ : મરી એન્ટિ બેક્ટેરિયલ હોવાની સાથે તે કબજિયાતમાંથી રાહત આપે છે. મરીમાં રહેલું પાઈપરીન એન્ટિઓક્સિડન્ટનું કામ કરે છે. જે શરીરમાં કેન્સર કોષોને વધતા રોકવામાં મદદરૂપ બને છે. હિંગ વજન ઘટાડવામાં મદદરૂપ થવાની સાથે મંદ જઠરાગ્નિના વાતાવરણમાં ભૂખ વધારવાનું કામ કરે છે. તો આદુ કમળો પેટના કૃમિ એનીમિયા અને એસીડીટીની સાથે પથરી જેવા રોગોમાં મદદરૂપ બને છે. મેથી પેટની બીમારીમાં રાહત આપવાની સાથે ચામડી અને શ્વસનતંત્રના કેટલાક રોગોમાં રક્ષણ પૂરું પાડે છે.
ભજીયામાં સામેલ ફુદીનો, હિંગ, અજમા, કાળા મરી, મેથી, પાલક સહિત અનેક મસાલાઓ ચોમાસાની ઋતુમાં ખૂબ ગુણકારી માનવામાં આવે છે. જે લોકોને તબીબોએ તળેલું ખાવાથી દૂર રહેવું જોઈએ તેવી સલાહ આપી છે. તેવા લોકોએ ભજીયાના સેવનથી દૂર રહેવું જોઈએ, પરંતુ જે લોકો સ્વસ્થ છે તેમને આ ઋતુ દરમિયાન મન ભરીને ભજીયા માણવા જોઈએ. - વૈદ જયેન્દ્ર પરમાર
લીલા શાકભાજીથી ફાયદા : પાલક સૌથી વધુ શક્તિ આપનારી ભાજી છે, જે લોહી શુદ્ધ કરવાની સાથે હાડકાને મજબૂતી આપે છે. અજમો વજન ઘટાડવામાં મદદરૂપ બને છે સાથે સાથે સંધિવા તેમજ શરીરમાં વધેલી ચરબીને દૂર કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. લસણ એન્ટી ફંગલ અને એન્ટી વાયરસ હોવાને કારણે ઉપયોગી મનાય છે. ડુંગળી રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે વિટામિન સી શરીરને પૂરો પાડે છે સાથે શરદી અને ફ્લુ જેવા રોગો સામે રક્ષણ આપે છે. ફુદીનો લુ લાગવાથી બચાવે છે.