'મહા' વાવાઝોડાની વિનાશક અસરો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જેને પગલે જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સંભવિત વાવાઝોડાની અસરોને લઈને માંગરોળ બંદર પરથી માછીમારી કરવા ગયેલી 500 જેટલી બોટને પરત આવવાના આદેશો કરવામાં આવ્યા હતાં. જેને લઈને તમામ બોટ પરત ફરતા બંદર પર બોટની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો.
વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું જેમ જેમ આગળ વધશે તેમ તેમ વાતાવરણમાં પલટો જોવા મળશે જેને લઈને માછીમારોની સાથે લોકોમાં પણ ઉચાટ જોવા મળી રહ્યો છે. આગળ વધી રહેલા વાવાઝોડાને લઈને માંગરોળ બંદર પર 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે.