જૂનાગઢ: ઓઝત નદીના પાણીએ ઘેડ પંથની સ્થિતિને વિકટ બનાવી છે. ત્યારે ઓઝત નદીના પાળા તૂટતા બામણાસા સહિતના વિસ્તારોમાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉપરવાસમાં વધુ વરસાદને કારણે ઘેડ પંથકના ઘણા ગામડાઓ સંપર્ક વિહોણા થયા હોવાની પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે. તેમજ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઘેડ પંથકની મુલાકાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરાભાઇ જોટવા તેમજ તેમની ટીમ સાથે પહોંચી ખેડૂતો સહિત તમામ લોકોની સમસ્યાઓને જાણી હતી.
પાણી ફરી વળતા નુકસાની: હજારો હેક્ટર ખેતીની જમીન પર પાણી ફરી વળતા નુકસાની નો સર્વે કરી તાત્કાલિક સહાય ચૂકવવા સરકારને રજૂઆત કરી હતી. પાક વીમા યોજના સરકારે બંધ કરી છે. તેને ફરી ચાલુ કરવા તેમજ ઘરવખરી ના જાન માલ ને થયેલ નુકસાનીનું પણ સર્વે કરી સહાય ચૂકવવા સરકારને વિપક્ષ તરીકે રજૂઆત કરીશ તેવું જણાવ્યું હતું. હીરાભાઇ જોટવા કેશોદ 88 વિધાનસભા પર આ વખતે વિસ્તારના ધારાસભ્ય તરીકે કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. એ સમયે તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી પાણીદાર ઘેડ શાસકોની નબળી નેતાગીરીના કારણે વિકાસથી વંચિત રહ્યું છે.
નિરાકરણની ખાતરી: હીરાભાઇ જોટવા એ તેમના ચૂંટણી ઢંઢેરામાં ઘેડ વિસ્તારના કાયમી નિરાકરણની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ઓઝત નદીને પહોળી અને ઊંડી કરી પુર સરક્ષણ દિવાલ બનાવી દરિયા કિનારે ચેનલ બનાવીને પાણીનો યોગ્ય નિકાલ, સંગ્રહ કરીને જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવા ચૂંટણી સમયે લોકોને ખાતરી આપી હતી. ત્યારે આજે દર ચોમાસે સરકાર ફક્ત તારાજી સમયે સ્થળ પર આવી વારંવાર લોકોને ખોટા આશ્વાસનો આપવામાં આવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ થતુ કશું જ નથી.