ઉનાળાની વિદાય અને ચોમાસાનું આગમન થવાની ઘડીઓ ગણાઇ રહી છે, પરંતુ પીવાના પાણીની ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહી છે. જૂનાગઢ મનપા દ્વારા પાણીની વિકટ સ્થિતિને ધ્યાને લઈને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ મનપા દ્વારા આપવામાં આવતું પાણી માત્ર એક પંક્તિ હોય તેવું ગામની મહિલાઓ જણાવી રહી છે. સરગવાડા ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી પાણીના તમામ સોર્સ ખુટી જતા આખું ગામ પાણીની કુત્રિમ જરૂરિયાતો ઉપર આધારિત બની ગયું છે. 5 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં મનપા દ્વારા 5 થી 6 પાણીના ટાંકાઓ મૂકવામાં આવ્યા છે. આ ગામમાં મનપાના પંપીંગ સ્ટેશનમાંથી પાણીનું પરિવહન કરી પાણી ભરવામાં આવી રહ્યું છે. જેનો ઉપયોગ કરીને ગામની મહિલાઓ તેની દૈનિક પાણીની જરૂરિયાત પૂરી કરી રહી છે.
જૂનાગઢ મનપામાં હાલ ભાજપનું શાસન છે, તેથી વોર્ડ નંબર 1માં કોર્પોરેટરો ભાજપમાંથી ચૂંટાયેલા છે. ત્યારે આ વિસ્તારની મહિલાઓ અને ગામલોકો નગરસેવક પર પીવાના પાણીને લઇને દુર્લક્ષ સેવવાનું આક્ષેપ કરી રહ્યા છે. મહિલાઓ પાણીને લઇને ભારે ચિંતિત છે, પરંતુ આ વિસ્તારના નગરસેવક અહીં છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય ડોકાયા નથી કે તેમની સમસ્યાઓ ઉકેલવા કોઈ ઉત્સુકતા બતાવી નથી. તેથી વર્તમાન નગર સેવકો સામે પણ મહિલાઓ રોષ વ્યક્ત કરી રહી છે. ગામની જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી અથવા તો તંત્ર સુધી પહોંચાડવાની જવાબદારી ગામના નગરસેવકની હોય છે. પરંતુ નગરસેવક જાણે કે ચૂંટણી જીત્યા પછી તેના મતદારોની કોઇ તકેદારી નવા કરતા હોય તેવા ઉડાઉ જવાબ આપીને ગામને વધુ મુશ્કેલીમાં મુકી રહ્યાં છે.
એક તરફ રાજ્ય સરકાર પીવાના પાણી લઈને સૌ સલામતના ગાણા ગાઈ રહી છે, તો બીજી તરફ મહાનગરપાલિકા જેવા શહેરી વિસ્તારોમાં પણ પીવાના પાણીને લઈને ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી રહી છે. જેનો સરકાર કે સ્થાનિક તંત્ર પાસે કોઈ ઉપાય નથી. હવે લોકોની માગ છે કે, સરકાર સૌ સલામત અને વિકાસના ગાણા બંધ કરી પાણીનું સુચારુ આયોજન કરે અને ગામના દરેક લોકો સુધી માત્ર પીવાનું પાણી પૂરું પાડી શકે તેવી વ્યવસ્થા ઉભી કરે.