જૂનાગઢઃ સોમવારથી ગિરિ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થઈ રહ્યું છે. આદી અનાદી કાળથી યોજાતો આવતો આ મહાશિવરાત્રીનો મેળો શિવભક્તોમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્યારે અત્યારથી જ ભાવનાથ મહાદેવ મંદિર તરફ શિવ ભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે.
જે આગામી દિવસોમાં હજુ પણ વધશે અને લાખોની સંખ્યામાં શિવભક્તો ભગવાન ભવનાથ મહાદેવ અને તેમના સૈનિકો એવા નાગા સંન્યાસીઓના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરશે.
પ્રાચીન કાળથી યોજાતા આવતા આ મેળાની સાથે ધાર્મિક ભાવનાઓ પણ જોડાયેલી છે. જ્યારે ભગવાન શિવ અને માતા પાર્વતી ગગન વિહાર કરી રહ્યા હતા. ત્યારે માં પાર્વતીનું સફેદ વસ્ત્ર આ ભૂમિ પર પડ્યું હતું અને તેને લેવા માટે ભગવાન શિવનું આ ધરતી પર અવતરણ થયું હતું, ત્યારથી આ જગ્યાને વસ્ત્રાપથેશ્વર એટલે કે, ભવનાથ મહાદેવ તરીકે ઓળખાતી આવે છે.
એને કારણે જ અનાદિ કાળથી ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનું આયોજન થાય છે અને કહેવાય છે કે, મેળા દરમિયાન ભગવાન શિવ નાગા સાધુના રૂપમાં સાક્ષાત હાજરી આપીને તેમના ભક્તોને દર્શન પણ કરાવે છે.