ગીર સોમનાથ: જિલ્લાને પાણી પૂરું પાડતો તાલાળા નજીકનો હિરણ-2 ડેમ ઓવરફ્લો થઈ જતા તેના 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. પ્રથમ વરસાદે જ હિરણ ડેમમાં આખું વર્ષ ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે જે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની સાથે લોકો માટે પણ ખુશીના સમાચાર લઈને આવ્યો છે
પ્રથમ વરસાદે હીરણ ડેમ ઓવરફ્લો: પ્રથમ વરસાદે જ પીવાના પાણીની સમસ્યા જાણે કે હલ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તાલાલા નજીક બનેલો હિરણ 2 ડેમ આજે સતત વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના પ્રવાહને કારણે તેના 3 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવ્યા છે. હજુ પણ આગામી દિવસોમાં ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે ડેમમાં પાણીનો પ્રવાહ સતત જોવા મળશે. જેથી કરીને ડેમના 3 દરવાજા જે હાલ 0.15 મીટર ખોલવામાં આવ્યા છે તેને પૂર્વવત રાખવામાં આવી શકે છે.
ખેડૂતો અને ઉદ્યોગો માટે સારા સમાચાર: હિરણ-2 ડેમ સિંચાઈ પીવાનું પાણી અને ઔદ્યોગિક એકમ માટે ઉપયોગમાં લેવામાં આવી છે. પ્રથમ વરસાદે જિલ્લાના ખેડૂતોની સાથે વેરાવળ સુત્રાપાડા તાલુકો અને નગરપાલિકા વિસ્તારના લોકોને પીવાના પાણીની સમસ્યા હલ કરી દીધી છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર અને ટ્રસ્ટને પણ હિરણ બે ડેમ માંથી સમગ્ર વર્ષ બાદ પાણી પૂરું પાડવામાં આવે છે તો બીજી તરફ હિરણ બે ડેમમાંથી ઔદ્યોગિક એકમને પણ પાણી પૂરું પાડવામાં આવે છે એટલે એમ કહીએ કે વરસાદનો પ્રથમ ત્રિવેણી સંગમ ગીર સોમનાથ જિલ્લાના લોકો ખેડૂતો અને ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા લોકો માટે પાણીનો પ્રશ્ન હલ કરીને આવી રહ્યો છે.
'હાલ ડેમમાં 72.05 મીટરની જળરાશીનો જથ્થો જાળવવા માટે ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. પ્રથમ વરસાદે જ સિંચાઈ પીવાનું અને ઔદ્યોગિક એકમોને પાણી વર્ષ પર પૂરું પાડી શકાય તેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થઈ ચૂક્યો છે જેને કારણે હાલ પ્રતિ સેકન્ડ 1718 ક્યુસેક પાણીનો જથ્થો ડેમના ત્રણ દરવાજામાંથી હિરણ નદીમાં પ્રવાહીત કરવામાં આવી રહ્યો છે.' -નરેન્દ્ર પિઠીયા, મદદનીશ અધિક્ષક ઇજનેર
ખેડૂતોમાં ખુશી: હિરણ-2 ડેમ છલકાતા પંથકના ખેડૂતોમાં પણ ખૂબ ખુશી જોવા મળી રહી છે. આ જ પંથકના ખેડૂત શામજીભાઈ સોલંકીએ પણ ડેમ છલકાવાને લઈને ખુશી વ્યક્ત કરી છે અને જણાવ્યું હતું કે ડેમની નીચે આવતા તાલુકાના 22 જેટલા ગામોને ઉનાળા દરમિયાન સંપૂર્ણ પણે સિંચાઈનો લાભ હિરણ-2 ડેમમાંથી મળે છે. જેને કારણે ડેમ છલકાતા તેઓ પણ ખૂબ જ ખુશ થયા છે.