જૂનાગઢ: સામાન્ય રીતે પોલીસ જુગારીઓને પકડીને શબક શીખવાડી હોય છે. પરંતુ જુનાગઢ પોલીસે જુગારીની સાથે મહિલા પોલીસ અધિકારીને પણ જુગાર રમતા પકડીને શબક શીખવાડ્યો છે. જુનાગઢ LCBની ટીમે એક દરોડા દરમિયાન જુગાર રમતા PSIને ઝડપી પાડ્યા હતા. જે મામલે કાર્યવાહી થતાં PSIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મહિલા PSI જુગાર રમતાં ઝડપાયા:: ત્રીજી ઓગસ્ટના દિવસે પાદરીયા ગામમાં આવેલા ખેતરના એક મકાનમાં જુગારનો અડો ચાલી રહ્યો છે. તેની પૂર્વ બાતમીને આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ જુનાગઢ દ્વારા રેડ કરવામાં આવી હતી. અહીંથી 10 જેટલા જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં આઠ પુરુષ અને બે મહિલાઓ સામેલ હતા. બે મહિલા પૈકી એક મહિલા પોલીસ અધિકારી પણ હતા. જે પાછલા બે વર્ષથી સોમનાથ મંદિર ખાતે સુરક્ષા વિભાગમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું હતું.
મહિલા PSI સસ્પેન્ડ: એક મહિલા પોલીસ અધિકારી જુગારના ગુનામાં આરોપી બનતાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી મહિલા અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આવનારા સમયમાં પોલીસ વિભાગ આ પ્રકારનું કોઈ કૃત્ય જાણતા પણ કરે તે માટે કડક પગલાં લેવાની પણ વાત કરવામાં આવી છે.
સાડા ચાર લાખથી વધુનો મુદ્દામાલ કબજે: પોલીસ દ્વારા કુલ 2,43,450 રોકડ મળીને કુલ 4,94,450નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જે ખેતરમાં જુગાર રમાતો હતો. તે પાદરીયાના અમિત કોળીનું હોવાનું બહાર આવ્યું છે. પરંતુ ખેતરનો માલિક અને જુગારનું સંચાલન કરતો અમિત કોળી હજુ પણ પોલીસ પકડની બહાર છે. જેને પકડી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે.