જૂનાગઢ : ગાંધીના જીવન સાથે જોડાયેલી ખાદી આજે પણ એટલી જ પ્રસ્તુત છે. સમય બદલાવાની સાથે ખાદીએ પણ અનેક નવા રંગરૂપો ધારણ કર્યા છે. શહેરના એક એવા દંપતીની છે કે જેઓ આજે જીવનના 81માં વર્ષે પહોંચ્યા છે, તેમ છતાં તેઓ આજે પણ એકમાત્ર ખાદીના વસ્ત્રો પરિધાન કરીને ગાંધીની ખાદીને અનોખી રીતે યાદ કરી રહ્યા છે. ગાંધીના જીવન સાથે જોડાયેલું ખાદીનું વસ્ત્ર આજે દલસાણીયા દંપતી માટે પણ એક આદર્શ બની રહ્યું છે. 12 વર્ષની આયુએ પ્રથમ વખત શારદાગ્રામ જેવી ગાંધીવાદી સંસ્થામાં અભ્યાસ શરૂ કરવાની સાથે ત્યાંથી ખાદીના વસ્ત્ર પરિધાનની એક પરંપરા શરૂ થઈ જે આજે પણ 81 વર્ષની ઉંમરે અજેય જોવા મળે છે.
દંપતી વર્ષોથી ખાદી પરિધાન કરે છે : દંપતી આજે પણ તેઓ એકમાત્ર ખાદીના વસ્ત્રો પહેરતા જોવા મળે છે. જેમ જેમ અભ્યાસ આગળ વધતો ગયો તેમ તેમ શારદાગ્રામ બાદ લોકભારતી સંસ્થા પણ ગાંધીવાદી સંસ્થા તરીકે અભ્યાસમાં આજે પણ નામના પાત્ર સંસ્થા છે. ત્યારે અહીં પણ ખાદીના વસ્ત્રો પહેરવાનું ફરજિયાત હતું અને તે પણ વિદ્યાર્થીઓ દ્વારા હાથેથી કાંતેલી ખાદી બનાવીને તેના વસ્ત્રો પહેરવાની એક પરંપરા હતી. આ પરંપરા આજથી 69 વર્ષ પૂર્વે શરૂ થઇ હતી. મોહનભાઈ અને તેમના ધર્મપત્ની લોકભારતી સંસ્થામાં સ્નાતક થયા ત્યારથી લઈને આજ દિન સુધી તેઓએ ક્યારેય પણ ખાદી સિવાયનું એક પણ વસ્ત્ર પરિધાન કર્યું નથી. ત્યારે ગાંધી જયંતીના દિવસે દલસાણીયા દંપતી એક અનોખા ખાદી પ્રેમી દંપતી તરીકે પણ ઓળખાઈ રહ્યા છે.
ગાંધીની વિચારધારાને અનુસરે છે : અનોખા ખાદી પ્રેમી દંપતી તરીકે જૂનાગઢમાં ઓળખાતા મોહનભાઈ દલસાણીયા તેમના ખાદી પ્રેમને લઈને પ્રતિભાવ આપ્યો હતો કે, ગાંધીજી સ્થાનિક અને સ્વરોજગારીને ખૂબ જ મહત્વ આપતા હતા. ખાદીના કાપડના વણાટ સાથે ખૂબ જ ગરીબ વર્ગ જોડાયેલો હતો. ત્યારે આવા લોકોની ચિંતા કરીને ગાંધીજીએ ખાદીને પ્રોત્સાહન આપ્યું, તેમનાથી પ્રેરણા લઈને તેઓએ પણ ખાદીને સ્વીકારી ખાદી માત્ર લોકોને રોજગારી નથી આપતી. પરંતુ તેના એક એક તાંતણામાં દેશ પ્રેમની ભાવના ગુથાયેલી છે, જેથી આજે પણ ખાદીનું વસ્ત્ર પહેરવું એક ખુમારીનું કામ છે. સાથે સાથે તે તમામ ઋતુમાં અનુકૂળ પણ આવે છે, વધુમાં ખાદીના વસ્ત્ર પહેરવાથી કેટલાક ચામડીના રોગોને કાયમી ધોરણે દૂર રાખી શકાય છે. આવી મજબૂત ખાદી અને તેની સાથે જોડાયેલું ગાંધીનું નામ આજે ખાદીને એક સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડી છે. ત્યારે ગાંધીના આદર્શ તરીકે એક માત્ર ખાદીના વસ્ત્રોને પરિધાન માટે અમે પતિ પત્નીએ સ્વીકાર્યા છે.