- ચૂંટણી પહેલા જ કોંગ્રેસ ટેકનિકલ કારણોસર હાર્યું મજેવડી બેઠક
- કોંગ્રેસનું અપક્ષ ઉમેદવારને સમર્થન મજેવડી બેઠક પર ભાજપ સામે લડશે ચૂંટણી જંગ
- કોંગી ઉમેદવાર મહેન્દ્ર ઢોલરિયાએ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવતા સમગ્ર મામલો ગૂંચવાયો
જૂનાગઢ : જિલ્લા પંચાયતની મજેવડી બેઠક પર રાજકીય કોકડું ગૂંચવાયું અંતે ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ કારણોસર કર્યું રદ્દ કર્યું છે, ત્યારે સમગ્ર મામલાને લઈને હવે રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે. ગત 13 ફેબ્રુઆરીના રોજ 11:30 કોંગ્રેસે જાહેર કરેલા તેમના સત્તાવાર ઉમેદવાર મહેન્દ્ર ઢોલરિયાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ રજૂ કર્યું હતું. જે બાદ બપોરે 1:30 કલાકે તેમને ફરી ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ રજૂ કર્યું હતું. જેમાં તેમને મેન્ડેટ સાથે તેમના દ્વારા સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું હતું કે, હું ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગુ છું. જેને લઇને સમગ્ર મામલો ગૂંચવાયો હતો.
કોંગ્રેસે કાંતિ ગજેરાને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે રજૂ કર્યા
સમગ્ર મામલાની જાણ કોંગ્રેસને થતા કોંગ્રેસે તેમના પૂર્વ સદસ્ય અને વર્તમાન સમયમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતા કાંતિ ગજેરાને પોતાના સત્તાવાર ઉમેદવાર તરીકે રજૂ કરીને ચૂંટણી અધિકારી સમક્ષ નવુ મેન્ડેટ રજૂ કર્યું હતું. જેની સુનાવણી પૂર્ણ થતા પ્રાંત અધિકારીએ અપક્ષ ઉમેદવાર કાંતિભાઈ ગજેરાને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે ગણવાની સ્પષ્ટ મનાઇ કરી તેમને અપક્ષ ઉમેદવાર તરીકે જ ચૂંટણી લડવાની માન્યતા આપી છે.
સમગ્ર મામલાને લઈને કોંગ્રેસે હાઇકોર્ટમાં જવાની પણ ચિમકી આપી છે
પ્રથમ વખત કોંગ્રેસની રાજકીય રીતે મજેવડી જિલ્લા પંચાયતની બેઠક પર હાર થતી જોવા મળી હતી. જે બાદ ટેકનિકલ કારણોસર પણ કોંગ્રેસની ફરી એક વખત મજેવડી જિલ્લા પંચાયતની બેઠક પર હાર જોવા મળી રહી છે. જે વ્યક્તિને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા હતા, તે ભાજપના ઉમેદવાર બનીને ચૂંટણી લડવા માટે આગળ આવતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો હતો. કોંગ્રેસે મજેવડી બેઠક પરથી ગતમાં ચૂંટાયેલા કાંતિ ગજેરાની જગ્યા પર મહેન્દ્ર ઢોલરીયાને પોતાના સત્તાવાર ઉમેદવાર બનાવ્યા હતા. જેના વિરોધમાં કાંતિ ગજેરાએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.
અપક્ષ ઉમેદવાર તરીકે મજેવડી બેઠક પર ચૂંટણી જંગમાં લડવાની મંજૂરી આપી
મહેન્દ્ર ઢોલરીયા ભાજપના ઉમેદવાર બનીને ચૂંટણીજંગમાં આવતા કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું હતું. જે દરમિયાન પૂર્વ સદસ્ય અને અપક્ષ ઉમેદવારી કરી રહેલા કાંતિ ગજેરાને તેમના સત્તાવાર ઉમેદવાર ગણવા માટે ચૂંટણી અધિકારી અંકિત પન્નુને રજૂ કર્યું હતું, પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી અધિકારીએ કોંગ્રેસે રજૂ કરેલું કાંતિ ગજેરાની તરફદારીનું મેન્ડેટ કાયદાકીય અને ચૂંટણીપંચની જોગવાઈઓ મુજબ અમાન્ય ઠેરવીને કાંતિ ગજેરાને કોંગ્રેસના ઉમેદવાર તરીકે નહીં, પરંતુ અપક્ષ ઉમેદવાર તરીકે મજેવડી બેઠક પર ચૂંટણી જંગમાં લડવાની મંજૂરી આપી છે. ત્યારે ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસની ફરી એક વખત જિલ્લા પંચાયતમાં બેઠક પર હાર થતી જણાઇ રહી છે.