જૂનાગઢ: માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારના આંબલીયા અને મટીયાણા ગામમાં ઉપરવાસમાં પડેલા વરસાદનું પાણી તેમજ ભાદર ડેમ અને અન્ય મોટા જળાશયોમાંથી છોડાયેલું પાણી એકત્ર થતા આ ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયેલા જોવા મળી રહ્યાં છે. જેને કારણે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના લોકો પાણીના ભરાવાને લીધે પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યાં છે.
ભૌગોલિક દ્રષ્ટિએ ઘેડ વિસ્તાર ઉંધી રકાબી જેવો આકાર ધરાવે છે. જેથી કારણે જૂનાગઢ, રાજકોટ તેમજ પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ પડતા ભાદર જેવા મોટા ડેમોમાંથી પાણી છોડવામાં આવે છે. આ પરિસ્થિતિમાં તમામ વરસાદી પાણી નદીઓ મારફત ઘેડ વિસ્તારમાં એકત્ર થાય છે. જેને કારણે જ વગર વરસાદે પણ ઘેડ વિસ્તારના કેટલાક ગામો ચોમાસા દરમિયાન બેટમાં ફેરવાયેલા જોવા મળે છે.