જૂનાગઢ: રાજ્યના ખેડૂતોએ દિવસે ખેતીલાયક વીજળી મેળવવા માટે હજુ પણ એક વર્ષ સુધી રાહ જોવી પડશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજના અંગે વાકેફ કરવા અને લાભાર્થીઓને યોજનાના લાભો પ્રદાન કરવા આવેલા રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આ નિવેદન આપ્યું છે.
રાજ્યના ખેડૂતો આજે પણ ખેતી લાયક વીજળી આઠ કલાક અને તે પણ દિવસે મળે તે માટેની માંગ સતત કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને ખેતીલાયક વીજળી દિવસે મળતી હશે પરંતુ સમગ્ર રાજ્યના ખેડૂતોને હજુ પણ દિવસ દરમિયાન ખેતી માટેની 8 કલાક વીજળી મેળવવા માટે એક વર્ષની રાહ જોવી પડશે. રાજ્ય સરકાર વીજ પુરવઠો ખેતર સુધી પહોંચે તે માટેની તાંત્રિક વ્યવસ્થા કરી રહી છે જેની પાછળ અંદાજિત એક વર્ષ જેટલો સમય લાગી શકે છે આવું નિવેદન કૃષિ પ્રધાન રાઘવજી પટેલે આપ્યું છે.
નેનો યુરિયાને લઈને પણ આપ્યું નિવેદન
શિયાળા દરમિયાન શિયાળુ પાકોના વાવેતર માટે ખેડૂતો રાસાયણિક ખાતર મેળવવાને લઈને પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. કોડીનાર તાલુકામાં તો રાસાયણિક ખાતરની અછત ઊભી થઈ હતી તો જે જગ્યા પર ખાતર મળી રહ્યું છે તેવા તમામ સહકારી સંઘ અને ખાતર વિતરણ ડેપોમાં ખેડૂતોને ફરજિયાત નેનો યુરિયા ખરીદવા માટે ફરજ પડાઈ હતી. તેને લઈને પણ કૃષિ પ્રધાને નિવેદન આપ્યું છે. નેનો યુરિયા સંપૂર્ણ સ્વદેશી ખાતર છે જેને આજે નહીં તો કાલે ખેડૂતોએ અપનાવવું પડશે. રાસાયણિક ખાતરો બનાવવા માટે વિદેશ પર આધારિત રહેવું પડે છે. આવી પરિસ્થિતિમાં રાજ્ય અને કેન્દ્રની સરકાર પર ખૂબ મોટો આર્થિક બોજ પણ પડે છે જેને દૂર કરવા માટે સરકાર નેનો યુરિયા ખેડૂતોને વાપરવા માટે આગ્રહ કરી રહી છે. ખેડૂતો નેનો યુરિયા પ્રત્યે ઉત્સાહિત નથી પરંતુ આવનારા દિવસોમાં નેનો યુરિયા ખેડૂતોએ અપનાવવું પડશે તેવી વાત પણ રાઘવજી પટેલે કરી છે.
નાના રેકડી ધારકોની સમસ્યા અંગે મેળવી માહિતી
જૂનાગઢ ખાતે નાના લોકોને સ્થાનિક સ્વરોજગારી મળી રહે તે માટે નાની હાથ લારીઓ અને કેબીનો માટેની સાધન સહાય અર્પણ કરાઈ હતી. કેબીનો નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં રાખવા દેવામાં આવતી નથી એવા સવાલના જવાબમાં જૂનાગઢના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે એવું જણાવ્યું હતું કે નાના રેકડી ધારકોની આ સમસ્યા હજુ સુધી તેમના પાસે પહોંચી નથી. હું ચોક્કસ પણે આ સમસ્યા પર વિચાર કરીશ અને આગામી દિવસોમાં કોઈ નિરાકરણ લાવે તેવો પ્રયાસ રાજ્યની સરકારનો હશે.