જૂનાગઢ : જૈન ધર્મના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ ચાતુર્માસ અન્વયે ગીરી તળેટીમાં આવેલા પારસધામમાં વિચરણ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારોને લઈને ETV BHARAT દ્વારા નમ્રમુનિ મહારાજ સાથે એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી હતી. નમ્રમુનિ મહારાજે વર્તમાન સમયમાં પ્રવર્તી રહેલી સમસ્યાઓના નિરાકરણ માટે સર્વ ધર્મ સમભાવ એકમાત્ર ઉપાય હોવાનું જણાવ્યું હતું. વર્તમાન સમયની તમામ સમસ્યાઓ એક માત્ર પ્રેમ, ક્ષમા અને સદભાવના થકી દૂર કરી શકાય છે તેવા સંદેશ સાથે ETV BHARAT ના દર્શકોને નમ્રમુનિ મહારાજે દિવાળી અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
નવા વર્ષમાં અનુસરવા જેવો ઉપદેશ : પ્રત્યેક વ્યક્તિના જીવનના વ્યવહારમાં આવે તે ધર્મ આ વાત કહેતા નમ્રમુનિ મહારાજે કહ્યું કે, દિવાળી ખુશી અને આનંદનો તહેવાર છે ત્યારે સૌ કોઈ આ ખુશી અને આનંદના તહેવારને જીવનના વ્યવહાર થકી ધાર્મિક રીતે ઉજવે તેવી શુભકામનાઓ. નમ્રમુનિ મહારાજ સ્પષ્ટપણે માને છે કે, મુશ્કેલીઓનો સામનો કરવાની જે હિંમત આવે છે તેને ધર્મ તરીકે માનવામાં આવે છે. તેઓએ કહ્યું કે, વર્તમાન સમયમાં પ્રત્યેક વ્યક્તિ એકબીજાનો સ્વીકાર કરે, લોકોના દુઃખથી દુઃખી થવું જોઈએ પરંતુ વર્તમાન સમયમાં બીજાના સુખથી દુઃખી લોકોની સંખ્યા વધારે છે. જેથી ધર્મનું અનુકરણ ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. તેઓ માને છે કે કોઈપણ વ્યક્તિ અન્ય વ્યક્તિના દુઃખથી પોતે દુઃખી થાય તેને માનવ ધર્મ કે જીવન ધર્મ પણ કહેવામાં આવે છે.
રાષ્ટ્રીય સંત દ્વારા યુવાનોને સંદેશ : રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ માને છે કે, પ્રેમ અને ક્ષમા કોઈ પણ જીવને સર્વ શ્રેષ્ઠ બનાવે છે. ગિરનારના સાનિધ્યમાં ચતુર્માસ માટે આવેલા નમ્રમુનિ મહારાજ અનુસાર ગિરનાર સાધના સાથે જોડાયેલ એક દૈવિય તત્વ છે. ગિરનાર જેવી સાધના ભૂમિ મળવી ખૂબ જ મુશ્કેલ છે. તમામ ચાતુર્માસ ગિરનારની ભૂમિમાં થાય તેવી ઈચ્છા હોય છે. તેઓએ કહ્યું કે, વર્તમાન સમયમાં યુવાનો સુખના રસ્તાને શોધતા શોધતા તમામ ઈચ્છાઓ પૂર્ણ નહીં થતા નશાના રવાડે ચઢી રહ્યા છે. યુવાનોને સુખના રસ્તાને પસંદ કરીને નશાથી દૂર રહેવા માટે શિક્ષિત કરવાની ખૂબ જરૂરિયાત છે. પુરુષાર્થ થકી શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપે દુઃખ પસંદ કર્યું જેને કારણે તેઓ આજે મહાપુરુષ તરીકે પૂજાય રહ્યા છે.
ક્ષમા, વિરસ્ય, ભૂષણ, માફીથી પ્રેમ-સદભાવના અને મૈત્રીનું સર્જન થાય છે. વર્તમાન સમયમાં માફી, પ્રેમ અને સદભાવનાની સાથે મૈત્રી અનિવાર્ય છે. આવી પરિસ્થિતિમાં દરેક ભારતવાસીનું કર્તવ્ય છે કે પ્રત્યેક વ્યક્તિ પ્રેમ, સદભાવના, માફી અને મૈત્રી સાથે સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરે. -- રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ
નમ્રમુનિ મહારાજે જણાવ્યો ધર્મનો સાર : રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજ સાહેબ વધુમાં જણાવ્યું કે, તમામ ધર્મમાં વ્યાપેલા પ્રેમ, મૈત્રી, કરુણા અને સદભાવથી એકમેકને જોડી રાખતી જડીબુટ્ટી છે. તમામ ધર્મમાં આ ચારેય તત્વોને એક સમાન રીતે જોવા મળે છે. સદભાવ એ ધર્મ છે અભાવને લઈને ધર્મ વિચલિત થાય છે જેથી સમસ્યાઓનું સર્જન થતું હોય છે. બધા સાથે સંવાદ ફરી એકતાનું સૂત્ર સાધવા માટે વર્તમાન સમયનો એકમાત્ર ઉપાય છે.
પ્રદૂષણ પર નમ્રમુનિનો પ્રતિભાવ : દેવ દિવાળીથી શરૂ થતી પરિક્રમા દરમિયાન થતા પ્લાસ્ટિકના પ્રદૂષણને લઈને પણ નમ્રમુનિ મહારાજ સાહેબ સ્પષ્ટ માની રહ્યા છે કે, સૃષ્ટિના એક એક કણમાં કુદરતનો વાસ છે. ત્યારે સૃષ્ટિને પ્રદૂષણ મુક્ત રાખવી એ પ્રત્યેક વ્યક્તિની અંગત જવાબદારી છે. વ્યક્તિની સમજ પ્રદૂષણને ઘટાડવામાં મદદરૂપ બની શકે છે.
દરેક મંદિર માનવતાનું મંદિર : નમ્રમુનિ મહારાજ બીજી વખત ચાતુર્માસ માટે ગિરનાર ક્ષેત્રમાં વિચરણ કરી રહ્યા છે. અહીં પારસધામનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે મંદિરને લઈને નમ્રમુનિ મહારાજ સ્પષ્ટ મત ધરાવે છે. તેઓએ જણાવ્યું કે, પ્રત્યેક મંદિર માનવતાના મંદિર બનવા જોઈએ. પારસધામ પરમાત્માની અનુભૂતિ અને પરમાર્થ માટે બનાવવામાં આવેલું માનવતાનું મંદિર છે, જે માનવ ધર્મ સાથે જોડાયેલું રહેશે. નમ્રમુનિ મહારાજ સાહેબ પરમાર્થ ત્યાં પરમાત્માના સૂત્રને પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે. જીવ દયા દરેક વ્યક્તિ માટે વર્તમાન સમયમાં ખૂબ જ મહત્વની બની રહેશે. જેના કારણે તેઓએ જીવદયાને લઈને જૂનાગઢમાં અનેક સેવાઓ શરૂ કરી છે.
પ્રેમ અને માફી-શાંતિનો ઉપાય : વર્તમાન સમયમાં રશિયા અને યુક્રેન ત્યારબાદ ઇઝરાયેલ અને ફિલિસ્તીન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને લઈને પણ નમ્રમુનિ મહારાજે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કોઈ પણ પરિસ્થિતિમાં જીવની હત્યા દુઃખી કરે છે. તેઓ માને છે કે ક્ષમા, વિરસ્ય, ભૂષણ, માફીથી પ્રેમ-સદભાવના અને મૈત્રીનું સર્જન થાય છે. વર્તમાન સમયમાં માફી, પ્રેમ અને સદભાવનાની સાથે મૈત્રી અનિવાર્ય છે. આવી પરિસ્થિતિમાં દરેક ભારતવાસીનું કર્તવ્ય છે કે પ્રત્યેક વ્યક્તિ પ્રેમ, સદભાવના, માફી અને મૈત્રી સાથે સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરે.