જૂનાગઢ: શિયાળાના દિવસો હવે તેના અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યા છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો હોવા છતાં પણ હજુ સુધી શિયાળાની ઠંડીનો અહેસાસ જોવા મળતો નથી. ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે પાછલા કેટલાક વર્ષોથી વાતાવરણમાં સતત અનિયમિતતાની સાથે અસમાનતા જોવા મળે છે જેને કારણે હજુ સુધી અસલ શિયાળાની ઠંડી અનુભવાઈ નથી. આગામી દિવસોમાં દિવસનું તાપમાન ઘટવાથી થોડી ઘણી ઠંડીનો અનુભવ થશે તેવું પૂર્વાનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

શિયાળાની ધીમા પગલે શરૂઆત: જાન્યુઆરી મહિનામાં ઠંડી તેની ચરમસીમા પર જોવા મળતી હોય છે પરંતુ એક મહિના પછી આજથી શિયાળાની ઠંડીની ધીમા પગલે શરૂઆત થઈ રહી છે. આગામી 15થી 16 દિવસ સુધી દિવસના તાપમાનમાં સતત ઘટાડો નોંધાવાની સાથે ઠંડીમાં વધારો થવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. જેને કારણે લોકોએ શિયાળાની ઠંડીનો અનુભવ કરવો પડશે.

ગ્લોબલ વોર્મિંગની અસર: પાછલા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગની અસરો સાર્વત્રિક અને વૈશ્વિક કક્ષાએ જોવા મળે છે. ગ્લોબલ વોર્મિંગને કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો જોવા મળે છે જેને કારણે હવામાન બદલાઈ રહ્યું છે. જેની અસરો નીચે શિયાળો, ઉનાળો અને ચોમાસા દરમિયાન ઠંડી, ગરમી અને વરસાદનું પ્રમાણ અનિયમિત અને અચોક્કસ જોવા મળે છે તો બીજી તરફ અલનીનોની અસરને કારણે સમુદ્રની સપાટીનું તાપમાન પણ સતત વધી રહ્યું છે. જેને કારણે પણ વરસાદની સાથે ગરમી અને ઠંડીમાં વિપરીત પરિબળો કામ કરતા જોવા મળે છે. આ વર્ષે પૂર્વના પવનો સૌથી વધુ જોવા મળ્યા જેને પશ્ચિમી વિક્ષોપની અસર માનવામાં આવે છે.
ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું: પશ્ચિમી વિક્ષોપને કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં બરફ વર્ષા ખૂબ નહીવત જોવા મળે છે. સામાન્ય રીતે કાશ્મીર અને હિમાચલ પ્રદેશની સાથે રાજસ્થાન સહિત રાજ્યના અન્ય કેટલાક ભાગોમાં હિમવર્ષા થવાની સાથે દેશના અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ જોવા મળે છે. કાશ્મીરમાં હિમવર્ષા થતાં જ ગુજરાતના વાતાવરણમાં ખૂબ મોટો ફેરફાર જોવા મળે છે. કાશ્મીરની સાથે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફ વરસાદ થતાં ગુજરાતના તાપમાનમાં અચાનક ઘટાડો થાય છે અને કાતિલ અને સુસવાટા મારતી ઠંડી અનુભવાતી હોય છે. પરંતુ આ વર્ષે અલનીનોની અસરને કારણે આ પ્રકારની કુદરતી પ્રતિકૂળતા પણ સર્જાઈ નથી જેથી આજના દિવસે ઠંડીનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે.
