જૂનાગઢ : દિવાળી અને નવા વર્ષની વહેલી સવારે મહિલાઓ વર્ષની પ્રથમ ખરીદી શકનના રૂપમાં કરીને વિક્રમ સંવતના નવા વર્ષને આવકારતી હોય છે. સૌરાષ્ટ્રમાં જેને શકન તરીકે ઓળખવામાં આવે છે તે અન્ય પ્રાંતમાં સબરસ તરીકે પણ ઓળખાય છે.
દિવાળીના દિવસોમાં સબરસનું મહત્વ : દિવાળી અને વિક્રમ સવંતના નવા વર્ષમાં સબરસ એટલે કે શકનનું ખૂબ ધાર્મિક મહત્વ હોય છે સૌરાષ્ટ્રમાં જેને શકન તરીકે ઓળખવામાં આવે છે તેને અન્ય પ્રાંતમાં સબરસ તરીકે પણ ઓળખાય છે જેમાં નમક કંકુ અને મગનો સમાવેશ થાય છે. વિક્રમ સંવંતના નવા વર્ષની શુકનવંતી ખરીદી માટે પણ સબરસ કે શકન ખૂબ મહત્વનું મનાય છે.
શુકનવંતી ખરીદી : દિવાળીની રાત અને નવા વર્ષના વહેલી સવારે મહિલાઓ શકનની ખરીદી કરીને નવા વર્ષની શુકનવંતી ખરીદીનો પણ પ્રારંભ કરે છે. શકન સાથે જોડાયેલી ધાર્મિક પરંપરા આજે પણ જોવા મળે છે. કહેવાય છે કે આજના દિવસે શકનની ખરીદી કરવાથી સમગ્ર વર્ષ દરમિયાન કોઈ પણ ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી અને સાથે સાથે માંગલિક અને શુભ કાર્યનું આયોજન થાય તેવા હેતુ માટે પણ શકનની ખરીદી થતી હોય છે.
શકનનું ધાર્મિક મહત્વ : શકનની પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી સાથે પણ જોડાયેલી છે. રુક્ષ્મણીએ ભગવાનને અચાનક સવાલ કર્યો તમે મને કેટલો પ્રેમ કરો છો. જેના જવાબમાં શ્રીકૃષ્ણએ જવાબ આપ્યો છે કે તમે મને મીઠા જેટલી વ્હાલાં લાગો છો. આવું સાંભળીને રુક્ષ્મણી રિસાઈ ગયા અને તેમને મનેમન નક્કી કર્યું કે ભગવાન કૃષ્ણ મારી મીઠા જેટલી જ કિંમત કરે છે. જેને જોઈને કૃષ્ણએ રુક્ષ્મણી માટે પકવાન બનાવવાનો આદેશ કર્યો. તેમાં મીઠાનો ઉપયોગ ન કરવા કહ્યું. કૃષ્ણના આદેશથી પકવાન અને રસોઈ તૈયાર થયાં. રુક્ષ્મણીજી અને કૃષ્ણ સાથે જ જમવા બેઠાં. મીઠા વગરની રસોઈ અને પકવાનનો સ્વાદ માણ્યા બાદ રૂક્ષ્મણીએ ભોજન પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી. ત્યારે ભગવાન કૃષ્ણએ રુક્ષ્મણીજીને સમજાવતા કહ્યું કે હું તમને આજે પણ મીઠા જેટલો પ્રેમ કરું છું. કૃષ્ણની આ પ્રવૃત્તિથી રુક્ષ્મણીજીને પણ પોતાની ભૂલ સમજાઇ અને મીઠાનું જીવનમાં શું મહત્વ હોઈ શકે તે સમજાવ્યું અને કૃષ્ણ કાળથી મીઠાને સબરસ તરીકે પણ લોકો ઓળખશે અને મીઠું શુકન ગણાશે અને સૌ નવા વર્ષને દિવસે મીઠાની ખરીદી કરશે તેવું કહ્યું. ત્યારથી નૂતન વર્ષના દિવસે સબરસની ખરીદી થતી હોય છે.