જૂનાગઢ જિલ્લાના ચોકી સોરઠ ખાતે આવેલી પોલીસ મહા વિધાયલયમા દિક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અધિક પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા 238 જેટલા તાલીમ પૂર્ણ કરેલા જવાનોને દિક્ષાંત આપવામાં આવી હતી. વિકાસ સહાયે તાલીમાર્થીઓને જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં શાંતિ અને સલામતીમાં SRPનું મહત્વ પૂર્ણ યોગદાન છે.
તેમણે વધુમાં SRPFના ઇતિહાસ વિશે તાલીમાર્થીઓને માહિતી આપતા જણાવ્યું હતું કે, SRPFની ગૌરવપૂર્ણ પરંપરા જાળવી રાખવા અને દેશ, રાજ્ય, સમાજ, અને પરિવાર પ્રત્યે પૂરી નિષ્ઠાથી જવાબદારી વહન કરવા આહવાન કર્યું હતું. ચોકી તાલીમ મહાવિદ્યાલયના આચાર્ય અને પોલીસ મહાનિરીક્ષક એમ.એમ અનારવાલાએ ૨૩૮ લોકરક્ષકોને બંધારણ પ્રત્યે શ્રદ્ધા નિષ્ઠા તથા કર્તવ્યનું પાલન અને નિષ્પક્ષતા અને ઈમાનદારીથી ફરજ નીભાવવાના શપથ લેવડાવ્યા હતા.
અનારવાલાએ જણાવ્યું હતું કે, નવ મહિનાની સખત મહેનત અને તાલીમ બાદ દેશની અને રાજ્યની લોક સેવા માટે તાલીમાર્થીઓ હાજર થશે. હાલમાં ક્રાઈમના પ્રકાર બદલી રહ્યા છે. સાઇબર ક્રાઇમ ,ડિજિટલ ક્રાઈમ વગેરેની સાથે તાલીમાર્થીઓ પણ લેટેસ્ટ ટેકનોલોજી સાથે કદમ મિલાવી અપડેટ થાય અને આગળ વધે તે જરૂરી છે. તેમણે કાયદો અને વ્યવસ્થા, બંદોબસ્ત, કીમતી સંસાધનોની સુરક્ષા સહિતની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવા અનુરોધ કર્યો હતો.