જૂનાગઢઃ જૂનાગઢમાં અનેક એવા મંદિરો છે, જ્યાં દેશવિદેશથી ભક્તો દર્શનાર્થે આવે છે. અહીં અનેક ધાર્મિક સ્થળો સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. આવું જ એક આસ્થાનું કેન્દ્ર છે સતાધાર નજીક આવેલી ભૂત બાપુની જગ્યા. અહીં વર્ષોથી વડના ઝાડમાં બિરાજતા ભૂત બાપુ તમામ લોકોની મનોકામના પૂર્ણ કરતા હોવાની લોકવાયકા છે. તેને લઈને સમગ્ર પંથકના લોકો ભૂત બાપુના દર્શને આવે છે
આ પણ વાંચોઃ Takhteshwar Temple: તખ્તેશ્વર મહાદેવનું એવું મંદિર જ્યાં દર્શન કરતાંની સાથે જ થાય છે 5 લાભ
200 વર્ષ પહેલા સ્થાપનાઃ લોકો અહીં આવી આ ભૂત બાપુની કૃપા પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. તેમ જ ભૂત બાપુનો ઈતિહાસ માંડાવડ સ્ટેટ સાથે પણ જોવા મળે છે. રાજ માતાની વિનંતી બાદ આજથી 200 વર્ષ પહેલાં કરમણ બાપુએ ભુતબાપુનું અહીં સ્થાપન કર્યું હતું. ત્યારથી અહીં ભૂત બાપુ દર્શન આપી રહ્યા છે.
સતાધાર નજીક ભૂત બાપુ મનોકામના પૂર્ણ કરતા હોવાની લોકવાયકાઃ સતાધાર જગ્યાની બિલકુલ નજીક ખુબ જ ચમત્કારી અને કરોડો અસ્તિકોમાં આસ્થા ધરાવતા ભૂત બાપુ અહીં વડના ઝાડમાં પૂજાઈ રહ્યા છે. 200 વર્ષ પૂર્વે માંડાવડના રાજમાતા દ્વારા ભૂત બાપુના દિવંગત આત્માને શાંતિ અને કાયમી સ્થાન મળે તે માટે અહીંના કરમણ બાપુને વિનંતી કરી હતી. ત્યારથી સતાધારની જગ્યા નજીક વડના ઝાડમાં ભૂત બાપુ નિવાસ કરી રહ્યા છે. તેમ જ ભૂત બાપુની મનોકામના માગનાર ભક્તોની ઈચ્છાઓ પરીપૂર્ણ થતી હોવાની પણ લોકવાયકા છે. આના કારણે મોટી સંખ્યામાં સમગ્ર પંથકમાંથી લોકો આવીને ભૂતબાપુના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરે છે.
સતાધારની જગ્યામાં ભૂત બાપુનું આજે પણ અસ્તિત્વઃ સતાધારની જગ્યાના તમામ મહંતો આજે પણ ભૂત બાપુને જીવંત અને જાગૃત સ્વરૂપે જોઈ રહ્યા છે. તેની ધાર્મિક વિધિવિધાન સાથે આજે પણ પૂજા કરી રહ્યા છે. વર્ષો પહેલાં માંડાવડ સ્ટેટમાંથી સતાધાર નજીક કીડીયારાના વડમાં ભૂત બાપુના આત્માને પૂનમના દિવસે ધાનના સ્વરૂપમાં માંડાવડ સ્ટેટના કોઠારમાંથી વડમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારથી સતાધારની જગ્યા ભૂત બાપુનું ધાર્મિક મહત્વ છે. અહીં શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવતા ભક્તોની મનોકામના પણ પૂર્ણ થતી હોવાની લોકવાયકા પણ છે.
આ પણ વાંચોઃ Chaitra Navratri 2023: ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરે દર્શનના સમયમાં કરાયો ફેરફાર
ભૂત બાપુને અનાજ અર્પણ કરે છે ખેડૂતોઃ ભૂત બાપુનો ધાર્મિક ઇતિહાસ અને તેની સતત હાજરી અહીં તેમના ભક્તોને ખેંચી લાવે છે. સમગ્ર વર્ષ દરમિયાન ભૂત બાપુને બીડી અને સિગારેટ ધરવાની પણ વિશેષ પરંપરા જોવા મળે છે. તે મુજબ મોટા ભાગના ભૂતબાપુના ભક્તો બાપુને બિડી અને સીગારેટ ધરાવે છે. સાથે સાથે આ વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરમાં થયેલા પ્રથમ ધાન્યને ભૂત બાપુને અર્પણ કરીને તેનો ઉપયોગ કરે છે. આવી ધાર્મિક આસ્થા અને મનોકામના સાથે જોડાયેલા ભૂત બાપુનું આ ધાર્મિક સ્થાન આજે પણ ચમત્કારિક માનવામાં આવે છે, જેને લઈને લોકો સમગ્ર વર્ષ દરમ્યાન અહીં દર્શન કરવા માટે આવી રહ્યા છે.