હવે, વાત કરીએ પ્રાચિન પરંપરાગત ગરબાની. ગ્રામ્ય વિસ્તારોમાં દેશી ગરબા બનાવી ઘરે-ઘરે ગરબા આપવામાં આવતા જેના બદલામાં અનાજ આપતા જે ધીરે-ધીરે સમય પરિવર્તન થતાં રૂપિયા આપવામાં આવે છે. હાલના સમયમાં દેશી ગરબા બનાવતા કારીગરોને પુરતું મહેનતાણું ન મળતું હોવાથી ધીરે-ધીરે દેશી ગરબા બનાવનારા કારીગરો ગરબા બનાવવાનું મોટા ભાગે બંધ કરી દીધું છે અને મોટા ભાગના ધંધાર્થીઓ તૈયાર ગરબા મંગાવી વેંચાણ કરે છે. આજના આધુનિક યુગમાં ગરબામાં પણ આધુનિકતા આવતા દર વર્ષે અવનવા આધુનિક ગરબાઓ બજારમાં આવે છે. જે બજારોમાં ત્રીસ રૂપિયાથી પાંચસો રૂપિયાની કિંમતના ગરબાનું વેચાણ થઈ રહ્યું છે. જેની લોકો ખરીદી કરી નવ દિવસ ઘરે ગરબા પ્રગટાવી માં આદ્યશક્તિની આરાધના કરે છે. આ સાથે જ બજારમાં વિવિધ પ્રકારના માટીના દિવડાઓનું પણ વેંચાણ કરવામાં આવે છે.
જૂનાગઢ સહિત કેશોદની બજારોમાં પણ આ માટીના ગરબાની વિશેષ માગ જોવા મળી રહી છે. આ વર્ષે બજારમાં વિવિધ પ્રકારના રંગબેરંગી ગરબાનું વેચાણ થઇ રહ્યું છે, ત્યારે હજૂ ધણા શહેર અને ગામડાઓમાં માટીના ગરબાની જ માગ વધુ હોય છે અને લોકો પ્રાચિન પરંપરા મુજબ જ નવરાત્રીની ઉજવણી કરતા હોય છે. તેટલું જ નહીં નવરાત્રીની ખેલૈયાઓ પણ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.