જૂનાગઢ શહેર સ્થાપત્ય અને વૈશ્વિક વારસાના નગર તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. પ્રાચીનકાળના સ્થાપત્યો આજે પણ જૂનાગઢની સાથે સાથે ગુજરાત અને દેશનું ગૌરવ વધારે છે, પરંતુ સદીઓ પહેલા જૂનાગઢમાં બનેલા સ્મારકો આજે તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યાં છે. જેથી આ સ્થાપત્યો લુપ્ત અવસ્થામાં પહોંચી ગયા છે. ઉપરકોટમાં બૌદ્ધ ગુફાઓ, બાબા પ્યારેની ગુફાઓ અને સોનરખ નદીના કાંઠે આવેલી ખાપરા-કોડિયાની ગુફાઓ આવેલી છે. આ ખાપરા કોડિયા નામની ત્રણ ગુફાઓ એક જ અખંડ શિલામાંથી કોતરીને બે અલગ-અલગ ખંડોમાં બનાવવામાં આવી હતી એવું ઇતિહાસકારો જણાવી રહ્યા છે.
ત્રીજી કે ચોથી સદીમાં નિર્માણ પામેલી આ ગુફાઓની દિવાલો પર જે-તે સમયના શાસનકાળના લેખ લખવામાં આવ્યા હતા, પરંતુ આજે સમય અને સત્તાધીશોની ઉદાસીનતાને કારણે આ લેખ દિવાલો પરથી અદ્રશ્ય થઈ ગયા છે. આ ગુફાનો જે હેતુથી નિર્માણ કરવામાં આવ્યો હતો તે હેતુ પણ સમયની કારમી થપાટ અને સરકારના વારસા પ્રત્યેના તિરસ્કારને કારણે માત્ર ભવ્ય ભૂતકાળ બની ગઈ છે. આજે અડીખમ ઊભેલી આ ગુફાઓ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ખુદ સામે ઝઝૂમી રહી છે.
જૂનાગઢથી મનિષ ડોડિયાનો રિપોર્ટ ઈ ટીવી ભારત