નવું વર્ષ સંઘપ્રદેશ દીવ માટે માતમ રૂપે આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગઈકાલે વહેલી સવારે દિલ્હીની મહેશ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઊંઘની ગોળીઓ વધુ પ્રમાણમાં લઈ લેતા તેનું મોત થયું હતું. બીજીતરફ નવા વર્ષની પાર્ટીને પૂર્ણ કરીને ઉના તરફ પરત ફરી રહેલા ત્રિપલ સવારી બાઈક સવાર યુવાનો દિવના જલંધર રોડ પર બંધ પડેલા JCB મશીન સાથે અથડાતા ત્રણ પૈકી બે યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા હતા તો અન્ય એક યુવાનને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.
મેડિકલમાં અભ્યાસ કરતી યુવતી નવા વર્ષને લઈને તેના વતન દીવ આવી હતી ત્યારે ઊંઘની ગોળીઓનો વધુ પ્રમાણમાં સેવન કરતા યુવતીનું મોત થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે યુવતીની માતા અને તેની બહેન લંડન રહેતા હોય તેમના આવવાની રાહ જોવામાં આવી રહી હતી. આમ એક અકસ્માત અને એક આત્મહત્યાના બનાવે નવા વર્ષનો પ્રથમ દિવસ દીવ માટે માતમના સમાચાર રૂપે આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું.