જૂનાગઢ: જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 9 ના ભાજપના કોર્પોરેટર અને યાત્રાધામ સમિતિના ચેરમેન એભાભાઈ કટારાએ નગરસેવક અને યાત્રાધામ સમિતિના ચેરમેન તરીકે અચાનક રાજીનામું ધરી દેતા જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં ખડભડાટ મચી જવા પામ્યો છે. 18 તારીખના દિવસે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને રાજીનામું આપતો પત્ર એભાભાઇ કટારા દ્વારા મોકલી આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે પાર્ટીની રાજકીય પરંપરા અનુસાર રાજીનામા પત્ર પહેલા પાર્ટીના સંગઠનને મોકલવાનું હોય છે. પરંતુ એભાભાઈ કટારાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની જોગવાઈઓ અનુસાર તેમનું રાજીનામું સીધું મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપ્યું છે. તેથી તેને પરત ખેંચવાની શક્યતાઓ પણ ખૂબ ઓછી જોવા મળે છે.
"જૂનાગઢ શહેરના કેટલાક સ્થાનિક નેતાઓ અને કાર્યકરોના કારણે તેઓ રાજીનામું આપી રહ્યા છે. અધવચ્ચેથી રાજીનામું આપતા તેઓ તેમના મતદારોનો દ્રોહ કરી રહ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું છે. પરંતુ વર્તમાન સમયની રાજકીય પરિસ્થિતિને ધ્યાને રાખીને કોર્પોરેટર તરીકે કામ કરવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે. આવી પરિસ્થિતિમાં અત્યાર સુધીની નિષ્કલંક રાજકીય કારકિર્દી પર કેટલાક હિતશત્રુઓ કોઈ કલંક લગાડવાને લઈને તેમના પર સતત દબાણ કરી રહ્યા છે. જેને કારણે તેઓએ રાજીનામું આપ્યું છે. જે લોકો તેમના પર દબાણ કરી રહ્યા છે. તેમનું નામ કોર્પોરેટર એભા કટારા એ હજુ સુધી આપ્યું નથી. પરંતુ તેઓ આગામી દિવસોમાં ભાજપના મવડી મંડળ અને સરકારમાં સમગ્ર મામલે રજૂઆત કરશે તેવું જણાવ્યું છે." -- એભા કટારા (પૂર્વ ભાજપ કોર્પોરેટર)
સ્થાનિક રાજકારણમાં છે ટકરાવ: રાજીનામું આપ્યા બાદ એભાભાઈ કટારાનો હજુ સુધી કોઈ પણ પ્રકારે સંપર્ક થઈ શક્યો નથી. પરંતુ પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાનિક રાજકારણ માં ટકરાવ જોવા મળતો હતો ભવનાથ વિસ્તાર વોર્ડ નંબર 9માં આવે છે અહીં જ ભાજપના એક મહિલા કોર્પોરેટર અને રાજીનામું આપનાર એભાભાઈ કટારા ના પરિવાર વચ્ચે કેટલીક વાતોને લઈને ઘણા સમયથી મન મોટાવ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક એભાભાઈ કટારા એ રાજીનામું આપતા જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
રાજીનામાનો પત્ર ઈ ટીવી ભારત પાસે: રાજીનામા નો પત્ર ઈ ટીવી ભારતને હાથ લાગ્યો છે. જેમાં મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને રાજીનામું મંજુર કરવા અંગે વિગતો આપવામાં આવી છે. તેમાં થયેલા ઉલ્લેખ મુજબ તેઓ વોર્ડ નંબર નવ ના કોર્પોરેટર હોવાની સાથે યાત્રાધામ સમિતિના ચેરમેન તરીકે નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા હતા. પરંતુ હાલ કોર્પોરેટર અને યાત્રાધામ વિકાસ સમિતિના પદેથી સ્વેચ્છાએ રાજીનામું ઈચ્છતા હોય અમારું રાજીનામું તાકીદે મંજૂર કરવામાં આવે તેવી વિગતે સાથેનો રાજીનામાં પત્ર જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનરને મોકલી આપવામાં આવ્યો છે .આગામી વર્ષે લોકસભાની ચૂંટણી છે ત્યારે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરના રાજીનામાને લઈને આગામી દિવસોમાં ભાજપ સંગઠનમાં પણ ગડમથલ ચોક્કસપણે જોવા મળી શકે તેમ છે.