- અમદાવાદના શહેરકોટડાના એ ASIનું કોરોના સંક્રમણથી મોત
- જૂનાગઢ પોલીસે મૌન પાળીને મૃતક ASIને શ્રદ્ધાંજલિ આપી
- જૂનાગઢ પોલીસના કર્મચારીઓને પણ કોરોના સંક્રમણથી બચવા સલાહ અને સૂચન અપાયા
જૂનાગઢ : અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા અર્જુનસિંહનું શનિવારના રોજ કોરોના સંક્રમણને કારણે અવસાન થયું છે. જેના માનમાં જૂનાગઢ જિલ્લા પોલીસે પણ બે મિનિટનું મૌન પાળીને મૃતક ASI અર્જુનસિંહના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. જેમાં જૂનાગઢ પોલીસના અધિકારીઓ કર્મચારીઓ તેમજ ટ્રાફિક પોલીસ અને બ્રિગેડમાં કામ કરતા જવાનોએ હાજર રહીને મૃતક ASI અર્જુનસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી.
જૂનાગઢ પોલીસના કર્મચારીઓને સાવચેતી સાથે ફરજ બજાવવાની હાંકલ
જે પ્રકારે કોરોના સંક્રમણ ભયજનક રીતે બીજા તબક્કામાં આગળ વધી રહ્યું છે, ત્યારે દિવસ રાત જોયા વગર 24 કલાક લોકોની વચ્ચે રહીને ફરજ બજાવતાં પોલીસ કર્મચારીઓને પણ ઉચ્ચ અધિકારીઓએ કોરોના સંક્રમણની તમામ તકેદારી અને સાવચેતી સાથે ફરજ બજાવવા સલાહ આપી છે. જે પ્રકારે કોરોના વોરિયરસ એવા શહેરકોટડાના ASI અર્જુન સિંહનો કોરોના વાઇરસએ ભોગ લીધો છે. તે મુજબ અન્ય કોઈ પોલીસકર્મી કોરોના સંક્રમિત ન થાય તે માટે સાવચેતી અને સલામતીની પૂરતી કાળજી રાખીને પોતાની ફરજ નિષ્ઠાથી અદા કરે તેવી સલાહ અને સૂચન જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને આપ્યા છે.